બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે
Ahmedabad, તા.૭
રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા મહેર કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે, અને હવામાન વિભાગે આગામી દિવસો માટે પણ ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હજુ આગામી બે દિવસ ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આજે ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે તેવી આગાહી સાથે ૪ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત, અન્ય ઘણા જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ જિલ્લાના રહેવાસીઓને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીનાં પગલાં ભરવા માટે જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર અને મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના હોવાથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ આગામી બે દિવસ સુધી સારો વરસાદ થવાની શક્યતા છે.
વરસાદની આ સિઝનમાં ખેડૂતો અને સામાન્ય જનતા માટે આ સારા સમાચાર છે, પરંતુ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, જેથી લોકોને મુસાફરી કરતી વખતે અને બહાર નીકળતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.