Mumbai,તા.07
ભારતીય ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર અંગે એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેણે કહ્યું છે કે, ‘મને આખી જિંદગી પસ્તાવો રહેશે, કારણ કે હું ક્યારેય મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં રમ્યો નથી.’ વર્ષ 2010માં ઘરેલુ ક્રિકેટમાં પ્રવેશ કર્યા બાદ એક દાયકાથી વધુ સમયની રાહ જોયા પછી સૂર્યકુમારને 2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તક મળી હતી, પરંતુ તે સમય સુધીમાં ધોનીએ નિવૃત્તિ લઈ લીધી હતી. હાલમાં તે પોતે ટી20 ટીમના કેપ્ટન છે, પરંતુ તેને ધોનીની કેપ્ટનશીપ હેઠળ ન રમવાનો અફસોસ છે.
એક ઇન્ટરવ્યુમાં સૂર્યકુમાર યાદવે ધોનીને યાદ કરતા કહ્યું કે, ‘સૌ પ્રથમ મને એમ.એસ. ધોની યાદ આવે છે. જ્યારે તે ભારતના કેપ્ટન હતા ત્યારે હું હંમેશા તક મેળવવા માંગતો હતો, પરંતુ મને ક્યારેય તક મળી નહીં. જ્યારે પણ હું તેમની સામે રમતો હતો, ત્યારે મેં તેને સ્ટમ્પ પાછળ જોયો હતા. તેનો સ્વભાવ ખૂબ જ શાંત છે. તેની સામે રમતી વખતે મેં તેની પાસેથી એક વાત શીખી છે કે દરેક દબાણની પરિસ્થિતિમાં શાંત રહેવું. તે રમતની આસપાસ જુએ છે, શું થઈ રહ્યું છે તે જુએ છે અને પછી નિર્ણય લે છે.’
સૂર્યકુમારે વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે કોહલી વિશે વાત કરતાં કહ્યું કે, ‘મને લાગે છે કે વિરાટ ખૂબ જ હાર્ડ ટાસ્કમાસ્ટર છે. તે તમારી મર્યાદાઓને આગળ ધપાવે છે અને શ્રેષ્ઠ ઇચ્છે છે. મારો મતલબ છે કે, બધા કેપ્ટન ખેલાડીઓ પાસેથી શ્રેષ્ઠની અપેક્ષા રાખે છે, પરંતુ તે મેદાન પર અને બહાર ઊર્જાથી ભરપૂર હતો.’
રોહિત શર્મા સાથે IPL ફ્રેન્ચાઇઝી અને ભારતીય ટીમમાં લાંબો સમય રમવા વિશે તેણે કહ્યું કે, ‘રોહિત ભાઈ એક એવો ખેલાડી છે જે દરેકને પોતાની આસપાસ આરામદાયક અનુભવ કરાવે છે. તે બધા યુવાનો માટે પ્રેરણારૂપ છે. તેના દરવાજા 24/7 દરેક માટે ખુલ્લા હતા. આ એક અનોખી ગુણવત્તા છે જે મેં તેમની પાસેથી અને અન્ય કેપ્ટનો પાસેથી પણ શીખી છે.’ નોંધનીય છે કે, સૂર્યકુમાર યાદવે હાલમાં કેપ્ટન તરીકે પોતાની સફર શરૂ કરી છે, પરંતુ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ન રમવાનો અફસોસ તેના મનમાં હજી જીવંત છે.