Rajkot,તા.23
2014ની સાલમાં આશારામ બાપુના વિરોધી અને ટીકાકાર હોવાની શંકાથી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં એક ક્લિનિકમાં સેવા આપી રહેલા ડો. અમૃત પ્રજાપતિ ઉપર ફાયરિંગ કરીને થયેલી હત્યાનું કાવતરું ઘડનાર તરીકે પકડાયેલા મુખ્ય આરોપી કિશોર બોડકેની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે.
આ અંગે સુધીરભાઈ નિરંજનભાઇ પંડ્યા ( રહે. રણછોડ નગર રાજકોટ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, અમદાવાદ ઓઢવ વિસ્તારના પંચકર્મ ચિકિત્સક વેદરાજ અમૃતભાઈ પ્રજાપતિ અઠવાડિયામાં એક દિવસ રણછોડનગરની પોતાની ક્લિનિકમાં આયુર્વેદ કન્સલ્ટન્સી કરતા હોય, દરમિયાન તે અગાઉ આશારામ બાપુના સેવક ઉપરાંત ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ હતા, તેમાં કોઈ બાબતે વાંધો પડતા ડો. અમૃતભાઈ પ્રજાપતિ મીડિયામાં આશારામ બાપુની વિરુદ્ધમાં ઇન્ટરવ્યૂ આપતા હોય તે બાબતનો ખાર રાખીને ગઈ તારીખ 23/ 5/ 2014ના રોજ સવારે રણછોડનગરના ક્લિનિકમાં દર્દીને બતાવવાના બહાને ઘૂસી જઇ અજાણ્યા શખસે ખિસ્સામાંથી રિવોલ્વર કાઢીને ડો. અમૃતભાઈ પ્રજાપતિ ઉપર ફાયરિંગ કરતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા, એમને તાત્કાલિક કારમાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ડો. પ્રજાપતિને મોઢે દાઢીના ભાગે ગોળી વાગી હોય બોલી શકતા ન હતા, તેથી સુધીરભાઈએ ફાયરિંગ કરનારના વર્ણન સાથે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સારવાર દરમ્યાન ડો. અમૃત પ્રજાપતિનું મૃત્યુ થતાં પોલીસે ફરીયાદમાં ઈ.પી.કો. કલમ ૩૦૨નો ઉમેરો કર્યો હતો. સાથે પોલીસે તપાસ હાથ ધરતા બસવરાજ ઉર્ફે વસુ અવન્તા તિલ્લોલી, કિશોર બાલકૃષ્ણ બોડકે, મનોજ ઉર્ફે મની ઉર્ફે સુર્યા, અંકિત ઉર્ફે સુરજ રામસાગર, ગોળીબાર કરનાર તરીકે કાર્તિક ઉર્ફે કાર્તિક બંગાળી ઉર્ફે રાજુ સન ઓફ દુલાલચંદ વિનક્રિષ્ન હલદર તથા સંજીવ ઉર્ફે સંજય પંજાબી ઉર્ફે સંજુ સન ઓફ કિશન કિશોર વૈદ્ય વિગેરે આરોપીઓના નામ તપાસ દરમ્યાન ખુલવા પામતા તપાસના અંતે પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ હત્યા અને કાવતરાની કલમ મુજબ કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું. દરમિયાન આરોપી કિશોર બોડકે પકડાઇ ગયા બાદ જેલ હવાલે થયો હતો. ચાર્જશીટ રજુ થઈ જતા આરોપી કિશોર બાલકૃષ્ણ બોડકેએ તેમના એડવોકેટ અંશ ભારદ્વાજ મારફતે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી. જે જામીન અરજીમાં અરજદા૨ કિશોર બોડકે તરફે એવી રજુઆત કરવામાં આવેલ હતી કે, હાલનાં અરજદાર સામેનો કેસ ખોટો અને ઉપજાવી કાઢેલો છે, કથીત ઘટના સમયે અરજદાર જેલમાં હતા, અરજદારનું નામ એફ.આઈ.આર.માં આપવામાં આવેલ નથી, સહઆરોપી બસવરાજ ઉર્ફે વાસુ અવન્ના તિલ્લોલીને હાઈકોર્ટે જામીન પર મુકત કર્યા હતા, તેની પેરિટીમાં કિશોર બોડકેની જામીન અરજી મંજૂર કરવા રજૂઆતો દલીલો અને તેના સમર્થનમાં ઉચ્ચ અદાલતોના ચુકાદા રજૂ કર્યા હતા. જે ધ્યાને લઇ રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા મુખ્ય કાવતરાખોર તરીકેના આરોપી કિશોર બાલકૃષ્ણ બોડકેની જામીન અરજી મંજુર કરવામાં આવી છે.આ કેસમાં આરોપીઓ વતી અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં એડવોકેટ અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, અમૃત ભારદ્વાજ, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત, કૃણાલ દવે, દિશા ફળદુ અને મિહિર શુકલ રોકાયા હતા.