Mumbai,તા.26
દેશના બે ટોચના ઉદ્યોગગૃહ કે જે ઉર્જા ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવે છે તે રીલાયન્સ ઈન્ડ. અને અદાણી પાવર્સએ હવે હાથ મીલાવ્યા છે. બે ગુજરાતી ઉદ્યોગપતિઓ કે જે આજે વિશ્વભરમાં પોતાની ઓળખ ધરાવે છે તે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીના નેતૃત્વની કંપ્નીઓ દ્વારા પ્રથમ વખત એક સંયુકત રીતે માર્કેટીંગ સ્ટેટેજી અપ્નાવાઈ છે.
રીલાયન્સ બીપી મોબીલીટી કે જે ભારતમાં પેટ્રોલપંપ્નું નેટવર્ક ધરાવે છે તે તથા અદાણી ટોટલ ગેસ એ બન્ને પોતાના રીટેલ આઉટલેટ ઉપર એકબીજાના ફયુલ વેચશે એટલે કે રીલાયન્સ બીપીના પેટ્રોલ પંપ ઉપર હવે અદાણી સીએનજી ગેસ પણ મળી રહેશે. જયારે અદાણીને ગેસ સ્ટેશન ઉપર રીલાયન્સ બીપીના પેટ્રોલ ડીઝલ પણ ઉપલબ્ધ બનશે.
આ અગાઉ રીલાયન્સ ઈન્ડ.એ અદાણી પાવર્સની સબસીડરી (પેટા કંપ્ની) મહાન એનર્જીમાં રૂા.50 કરોડ ચૂકવીને 26 ટકા હિસ્સો મેળવી લીધો છે. જેના કારણે હવે ગ્રાહકોને એક જ આઉટલેટ ઉપર પેટ્રોલ ડીઝલ તેમજ ગેસ સુવિધા મળી રહેશે.
હાલ રાષ્ટ્રીયકૃત પેટ્રોલીયમ કંપ્ની હિન્દુસ્તાન પેટ્રોલીયમ આ પ્રકારે પોતાના આઉટલેટ ઉપર પેટ્રોલ ડીઝલ અને સીએનજી પણ વેચે છે. અદાણી ટોટલ ગેસ દેશભરમાં 650 સીએનજી સ્ટેશન ધરાવે છે. જયારે રીલાયન્સ બીપી મોબીલીટીએ દેશભરમાં 2000થી વધુ પેટ્રોલ પંપ ધરાવે છે.
જોકે પ્રારંભમાં અદાણી ટોટલ ગેસના પસંદગીના સ્ટેશન ઉપર રીલાયન્સના પેટ્રોલ અને ડીઝલ મળશે એજ રીતે રીલાયન્સના પેટ્રોલપંપ ઉપર અદાણી સીએનજી યુનીટ સ્થાપિત કરાશે.
ભવિષ્યમાં પણ સ્થપાનારા બન્નેના નવા સ્ટેશન-પેટ્રોલ પંપ ઉપર આ સુવિધા બન્ને કંપ્નીઓ સંયુકત રીતે ઉપલબ્ધ કરશે. રીલાયન્સ તેનું જીયો બીપી બ્રાન્ડ હેઠળ પેટ્રોલ અને ડીઝલના પંપ ચલાવે છે. આમ બે ગુજજુ ઉદ્યોગપતિઓ સાથે આવ્યા છે અને ભવિષ્યમાં અન્ય બીઝનેશમાં પણ જોડાઈ શકે છે.
2022માં મુકેશ અંબાણીની કંપ્નીએ દેશની જાણીતી એનડીટીવી ચેનલમાં પોતાનો હિસ્સો અદાણી ગ્રુપ્ને વેચ્યો હતો અને આજે એનડીટીવીના પુરા નેટવર્ક ઉપર અદાણી ગ્રુપ્નો અંકુશ છે જયારે મુકેશ અંબાણીને નેટવર્ક 18 મારફત ટીવી ઉપરાંત ઓટીટી સહિતની બીઝનેશમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે.