Mumbai, તા. 30
દેશમાં આઇપીઓ માર્કેટ ફરી એક વખત સડસડાટ દોડવા લાગી છે તે સમયે હવે ગ્લોબલ ફોર્ચ્યુન-500 કંપનીઓમાં સ્થાન મેળવનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેની કંપની જિયો ઇન્ફોકોમનો રૂા. 52,000 કરોડનો આઇપીઓ લઇને આવી રહ્યા હોવાનો સંકેત છે.
તે ભારતીય શેરબજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ હશે. એટલું જ નહીં તે આગામી વર્ષે આવશે તે સમયે માર્કેટમાં જબરી ધુમ હશે તેવું માનવામાં આવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ આઇપીઓ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને હજુ ફકત કંપની તેની શેરમુડીની પાંચ ટકા આઇપીઓમાં રીલીઝ કરશે તેવું માનવામાં આવે છે.
જોકે નિયમ મુજબ કંપનીએ 25 ટકા શેરમુડી બજારમાં ફલોટ કરવી જરૂરી છે. પરંતુ જિયોનું જે કદ છે તેનાથી રપ ટકા શેરમુડી એકીસાથે માર્કેટમાં ફલોટ કરવી તે શકય જ નથી. ખુદ માર્કેટ પણ તે આવડો મોટો ઇસ્યુ એકસાથે ભરી શકે નહીં તેવા સંકેત છે.
અગાઉ હ્યુન્ડાઇ ઇન્ડિયાએ રૂા. 28,000 કરોડનો આઇપીઓ લાવ્યા હતા તે બાદ હવે જિયો ઇન્ફોકોમ તેનાથી લગભગ ડબલ જેવો આઇપીઓ લાવી રહી છે અને તે આગામી વર્ષે આવશે. જોકે તેનો સમય માર્કેટની પરિસ્થિતિ મુજબ નકકી થશે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ ફોર્ચ્યુન ગ્લોબલ-500માં 88માં સ્થાને આવી છે અને આ યાદીમાં ટોપ-100માં આવનાર તે એક માત્ર ભારતીય કંપની છે. જોકે ગત વર્ષે કંપની 86માં સ્થાને હતી. પણ સતત 22મું વર્ષ છે કે રિલાયન્સ ભારતના ખાનગી ક્ષેત્રની એક માત્ર કંપની છે જે આ પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન ધરાવે છે.