New Delhi,તા.9
દેશમાં ચેટ જીપીટીના વધતા જતા ઉપયોગ અને અમેરિકા પછી ભારત આ એઆઈ ટુલનુ સૌથી મોટુ ઉપયોગકર્તા બની રહ્યું છે તે જોતા આગામી સમયમાં અમેરિકી કંપની ઓપન એઆઈ કે જે આ ચેટ જીપીટીનું સંચાલન કરે છે તે ભારતમાં મોટાપાયે ડેટા સેન્ટર સ્થાપવા માટે અનેક કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે.
જેમાં સીફી ટેકનોલોજી, યોટ્ટા ડેટા સર્વિસ ઉપરાંત મુકેશ અંબાણીની માલીકીના જીયો સાથે પણ આ અંગે વાતચીત ચાલુ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જામનગર પાસે દુનિયાનું સૌથી મોટુ ડેટા સેન્ટર સ્થાપવા જઈ રહી છે અને તેમાં ઓપન એઆઈ ભારતમાં ચેટ જીપીટીના જે કાંઈ ડેટા છે તે સ્ટોરેજ કરવા કોન્ટ્રાકટ કરે તેવી ધારણા છે.
જો કે આ એઆઈ ટુલનું મુખ્ય સર્વર તો અમેરિકામાં જ રહેશે જયાંથી જ તે માહિતી જનરેટ થઈ શકશે. પરંતુ બાદમાં તે ચેટના ડેટા ભારતમાં જ સ્ટોરેજ થાય તે નિશ્ચિત કરશે.
આ માટે કંપની દ્વારા 500 બિલિયન ડોલરનું રોકાણ કરવાની તૈયારી છે અને તેમાં હવે કઈ કંપની બાજી મારી જાય છે તેના પર સૌની નજર છે. આ ડેટા સેન્ટર માટે અતિ શક્તિશાળી અને આધુનિક ચીપ સહિતની વ્યવસ્થા પણ જરૂરી બનશે. એટલું જ નહી ગુગલ સહિતની કંપનીઓ પણ ભારતમાં તેના ડેટા સેન્ટરના કોન્ટ્રાકટ આપવા આતુર છે.