Veraval, તા.5
વેરાવળ સ્થિત ધીવાલા ઈંગ્લીશ ઇડિયમ સ્કૂલનો વિદ્યાર્થી ધાર્મિક સંદીપભાઈ કુહાડા જાપાનમાં યોજાનાર વર્લ્ડ કરાટે ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ધોરણ 9માં અભ્યાસ કરતા ધાર્મિકને શાળા પરિવાર તરફથી અભિવાદન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો.
ધાર્મિક અભ્યાસની સાથે કરાટેમાં ખૂબ સારી નિપુણતા ધરાવે છે. તેણે વર્ષ 2021માં ડિસ્ટ્રીક લેવલે કરાટે ચેમ્પિયનશીપમાં સિદ્ધિ હાંસલ કરી હતી. ત્યાર બાદ 2022માં સ્ટેટ લેવલે યોજાયેલી સ્પર્ધામાં ભાગ લઈ વિજય મેળવ્યો હતો. વર્ષ 2023માં ઓડિસા ખાતે 10 દેશ વચ્ચે યોજાયેલી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.
હવે આગામી 17 ઓગષ્ટના રોજ જાપાનના ટોકિયો ખાતે યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા જઈ રહ્યો છે. આ સ્પર્ધામાં વિશ્વના 40 દેશોના ખેલાડીઓ ભાગ લેશે.
આ અવસરે ધાર્મિકના કોચ પ્રવિણકુમારે જણાવ્યું હતું કે, વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપ જાપાનના ટોકીયો ખાતે 16 અને 17 ઓગસ્ટ 2025ના રોજ યોજાશે. આ સ્પર્ધામાં જાપાન, ભારત, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, મલેશિયા, ઈંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, નેપાળ, ભુતાન, પાકિસ્તાન, ચીન, રશિયા, દુબઈ અને કેનેડા સહિત 40 દેશો ભાગ લેશે.