નડિયાદ શહેરના મુખ્ય બજારોમાં તત્કાલિન નગરપાલિકાએ બનાવેલી અને હાલ મહાનગરપાલિકાની માલિકી-હસ્તકની ૬૦૦થી વધુ દુકાનો આવેલી છે. વર્ષોથી ભાડાપટ્ટે અપાયેલી દુકાનોનું તંત્ર દ્વારા ભાડું વસૂલવાનું ૨૦૨૧-૨૨થી જ બંધ કરી દેવાયું છે. જેના કારણે અગાઉના વર્ષોમાં નગરપાલિકાએ કરોડો રૂપિયાનું નુકસાન વેઠયું છે અને હવે મનપાને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એટલું જ નહીં, નડિયાદ શહેરમાં આવેલા મહાનગરપાલિકા હસ્તકના કોમ્પ્લેક્સમાં પણ ભાડૂઆતો પાસેથી ત્રણ-ત્રણ વર્ષના ભાડા ઉઘરાવવામાં જ આવ્યા નથી. આ દુકાનોના ભાડાપટ્ટા પૂર્ણ થઈ ગયા હોવાથી, તત્કાલિન નગરપાલિકા દુકાનો ખાલી કરાવીને પુનઃ હરાજી કરી ભાડે આપવાનો નિર્ણય કર્યો હતો. આ હેતુસર જ ભાડું ઉઘરાવવાનું બંધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ નિર્ણય બાદ હજુ સુધી આ અંગેની કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી કે દુકાનો પણ ખાલી કરાવવામાં આવી નથી. પરિણામે, છેલ્લા ત્રણેક વર્ષથી તંત્રને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. પડદા પાછળ તંત્ર અને દુકાનદારો વચ્ચે કોઈ સોગઠા ગોઠવાયેલા છે કે કેમ? તે અંગે પણ ચર્ચાઓ ઉઠી છે. આ અંગે જવાબદારો સામે કાર્યવાહી કરવા અને ભાડુઆતો પાસે ત્રણ વર્ષ દુકાનો વાપરવા બદલ ભાડુ વસુલી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં તંત્ર રસ દાખવે છે કે કેમ? તે આગામી સમયમાં જ માલુમ પડશે.
મહાનગરપાલિકાના સીધા ભાડૂઆતો પોતે પેટા-ભાડૂઆતો પાસેથી તોતિંગ ભાડું વસૂલી રહ્યા છે. ભાડૂઆતો ૧૦ હજાર પ્રતિ મહિનાથી માંડીને ૨૫ અને ૪૦ હજાર રૂપિયા પ્રતિ મહિનાનું ભાડું પેટા-ભાડૂઆતો પાસેથી ઉઘરાવી રહ્યા છે. જ્યારે તંત્ર ભાડું ન ઉઘરાવતું હોવાથી ત્રણ વર્ષથી સરકારી મિલકત પર ભાડૂઆતોને ઘી-કેળાં છે. તત્કાલિન નગરપાલિકા અને બાદમાં મનપાએ પણ અનેક દુકાનદારોને આપેલી નોટિસમાં ખુદ પેટા ભાડૂઆતોનો ઉલ્લેખ કરી અને આ વાતનો પુરાવો પણ આપી દીધો હતો.
તત્કાલિન નગરપાલિકા અને હવે મહાનગરપાલિકાની ઢીલી અને બેજવાબદાર કામગીરીના કારણે સરકારી તિજોરીને સીધું કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. નુકસાન આખરે પ્રજાના માથે જ આવે છે. જો તંત્ર સમયસર ભાડું વસૂલે અથવા દુકાનો ખાલી કરાવીને નવી હરાજી કરે, તો કરોડો રૂપિયાનો ઉપયોગ શહેરના વિકાસ કાર્યોમાં થઈ શકે. પરંતુ, વર્તમાન સ્થિતિમાં તંત્રની આ નિષ્ક્રિયતા શહેરના વિકાસને અવરોધી રહી છે અને કરદાતાઓના પૈસાનો વેડફાટ કરી રહી છે.નડિયાદ મનપાના ડેપ્યૂટી કમિશનર રૂદ્રેશ હુદળે જણાવ્યું હતું કે, અનેક દુકાનો જર્જરિત છે, કેટલીક કાંસ ઉપર નડતરરૂપ છે. અગાઉ જર્જરિત ૬૫ દુકાનો દૂર કરાઈ હતી. સરદાર ભુવનની દુકાનોની કોર્ટની મેટર પૂર્ણ થતા હવે તે પણ દૂર કરાશે. આ તમામ ભાડૂઆતોને દુકાન ખાલી કરવા નોટિસ આપેલી જ છે. દુકાનો ખાલી કરવાની હોવાથી ભાડુ વસૂલવાનું બંધ કર્યું છે.