Surendranagar,તા.02
વઢવાણ-કોઠારીયા રોડ પર આવેલ સુડવેલ સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં સ્થાનીક રહિશો અને મહિલાઓએ મનપા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને સુત્રોચ્ચાર સાથે વિરોધ કરતા પોલીસને બોલાવાની ફરજ પડી હતી.
કોઠારીયા રોડ પર આવેલ સુડવેલ સોસાયટીમાં અંદાજે ૨૦૦થી વધુ પરિવારો વર્ષોથી વસવાટ કરે છે પરંતુ આ વિસ્તારમાં ઘણા વર્ષોથી તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહિં હોવાથી દર ચોમાસામાં આ વિસ્તારના મુખ્ય રસ્તાઓ સહિત મકાનોમાં વરસાદી તેમજ ગટરોના ગંદા પાણી ફરી વળતા સ્થાનીક રહિશો અને મહિલાઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે આ ઉપરાંત વરસાદી પાણી ભરાઈ રહેતા નાના બાળકો, વિદ્યાર્થીઓ સહિત વૃધ્ધો લપસીને પડી જવાના બનાવો પણ બને છે આ મામલે અનેક વખત સ્થાનીક રહિશોએ અગાઉ પાલિકા તંત્રને તેમજ હાલ મનપાના સત્તાધીશોને રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી તેમજ સતત વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફેલાવાની દહેશત પણ સેવાઈ રહી છે ત્યારે આ અંગે કોઈ જ ઉકેલ ન આવતા સ્થાનીક મહિલાઓ અને રહીશોએ મનપા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને હાય હાયના સુત્રોચ્ચાર સાથે વિરોધ કરી રોષ દાખવ્યો હતો જ્યારે રજુઆત કરવા આવેલ સ્થાનીકોને પોલીસે મનપા કચેરીમાં જતા અટકાવતા પોલીસ અને સ્થાનીકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. એક અઠવાડીયા પહેલા પણ સુડવેલ સોસાયટીના સ્થાનીકો દ્વારા મનપાના સત્તાધીશો દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કર્યો હતો અને આગામી દિવસોમાં વરસાદી પાણીનો નિકાલ તેમજ ભગર્ભ ગટની સમસ્યાનો ઉકેલ નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.