બોરસદ નગરપાલિકામાં તા. ૯મી જૂને કંતાન નગર વિસ્તારમાં ૪૦ વર્ષથી રહેતા પરિવારોના મકાનો પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું. જેના વિરોધમાં રહીશોએ આજે પાલિકા કચેરીએ જઈ સૂત્રોચ્ચાર કરી આંદોલનની શરૂઆત કરી હતી. સ્થાનિકોએ ચીફ ઓફિસરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, કંતાનનગરના રહીશોને મકાનના બદલે મકાન આપી પુનઃવસન કરાય, જ્યાં સુધી પુનઃવસનની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરાય, નોટિસો પાછી ખેંચવામાં આવે તેવી માંગણી કરાઈ છે.
સરકારના ૨૦૧૦ના પુનઃવસનના નિયમનું ઉલ્લંઘન કરી ગરીબોને રસ્તા પર લાવી દીધા છે. કંતાનનગરના રહીશોની માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી નગરપાલિકામાં આંદોલન પર બેસવાની ચિમકી ઉચ્ચારી છે. આ અંગે આણંદ જિલ્લા કલેકટર કચેરી, એસપી તથા વુડા મુખ્ય ઓફિસ વડોદરા ખાતે રજૂઆત પણ કરાઈ છે.
બોરસદમાં ભારે વરસાદ હોવાથી તમામ રહીશો નગરપાલિકા બિલ્ડિંગમાં જોવા મળ્યા હતા. જ્યાં સુધી તેમના પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી પાલિકા બિલ્ડિંગમાં રહીને આંદોલન કરશે તેવું જણાવ્યું હતું. પાલિકાએ બોરસદ પોલીસને જાણ કરતા બોરસદ પોલીસ એક ગાડી પૂરતા બંદોબસ્ત સાથે પાલિકામાં તૈનાત કરી દીધી હતી.