Mumbai,તા.23
ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પાસથી બધા ચાહકોને માન્ચેસ્ટર ટેસ્ટમાં જોરદાર પ્રદર્શનની આશા રહેલી છે. જો ટીમ ઈન્ડિયાએ માન્ચેસ્ટર ટેસ્ટ જીતવી હોય, તો બુમરાહ માટે ઘાતક બોલિંગ કરવી ખૂબ જ જરુરી છે. ઉલ્લેખનીય છે કે, ભારતે ઇંગ્લેન્ડ સામે 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં ચોથી ટેસ્ટ મેચ રમવાની છે. હાલમાં મોહમ્મદ સિરાજે પુષ્ટિ કરી છે કે, બુમરાહ જરુર માન્ચેસ્ટર ટેસ્ટમાં રમશે. હવે આ મેચ શરૂ થવા પહેલાં પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે ફાસ્ટ બોલરને લઈને મોટું નિવેદન આપ્યું છે.
ઇરફાન પઠાણે તેના અધિકૃત યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘હું જસપ્રીત બુમરાહની ખૂબ પ્રશંસા કરું છું. મને તેની કળા ગમે છે. તે ખરેખર એક શાનદાર બોલિંગ કરે છે, તે એક અદ્ભુત બોલર છે. જો કે, મારું માનવું છે કે, જો તમે ભારત માટે રમી રહ્યા છો, તો બધું જ આપવું જરુરી છે. જો તમે 5 ઓવરનો સ્પેલ ફેંક્યો હોય અને રૂટ બેટિંગ કરવા આવ્યો હોય અને તમે છઠ્ઠી ઓવર ન ફેંકી હોય તો આ યોગ્ય નથી. કાં તો તમે ટીમ માટે તનતોડ મહેનત કરો અથવા સારી રીતે આરામ કરો.’
ઇરફાન પઠાણે વધુમાં આગળ કહ્યું કે, ‘જ્યારે વાત દેશ કે ટીમની હોય તો, ત્યારે ટીમ સૌથી પહેલા આવે છે. આમાં કોઈ પણ સવાલ ઉઠાવતું નથી કે, તેમણે કોશિશ નથી કરી. તેમણે બોલિંગ કરી છે, પરંતુ તમારે હંમેશા ટીમ માટે તનતોડ મહેનત કરવી જોઈએ. જો તે સતત ટીમ ઇન્ડિયાને મેચ જીતાડતા રહેશે, તો તે ટોપ પર રહેશે. જ્યારે ટીમને તમારી જરૂર હોય, ત્યારે તમારે વધુ મહેનત કરવી જોઈએ. બેન સ્ટોક્સે પણ એવું જ કર્યું અને 4 વર્ષ પછી ટીમમાં પાછા ફરેલા જોફ્રા આર્ચર પાસેથી પણ એવું જ જોવા મળ્યું.’