મોહરમમાં ન્યાઝ બાબતે બોલાચાલી થયાં બાદ કુખ્યાત સમીર ઉર્ફે મુરઘા આણી ટોળકીનું કારસ્તાન
Rajkot,તા.15
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં જેસાણી હોલ પાસે રાત્રીના કુખ્યાત સમીર ઉર્ફે મુરઘો તથા તેની સાથેના સાથે શખસોએ મળી કાર પર સોડા બોટલના ઘા કરી કુહાડા- તલવાર, ધારીયા જેવા હથિયારો વડે હુમલો કરી કારમાં તોડફોડ કરી રૂપિયા અઢી લાખનું નુકસાન કર્યું હતું. જંગલેશ્વરમાં રહેતા રેસ્ટોરન્ટ સંચાલક યુવાનના ભાઇને અગાઉ સમીર ઉર્ફે મુરઘાના ભાઇ સાથે મોહરમ સમયે ન્યાઝ બાબતે બોલાચાલી થતા તેનો ખાર રાખી કારમાં તોડફોડ કરવામાં આવી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જંગલેશ્વર શેરી નંબર 18 નૂરાની ચોક કાજલ પાનવાળી શેરીની સામે રહેતા યાસીન હુસેનભાઇ સુહુણા (ઉ.વ 24) નામના યુવાને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સમીર ઉર્ફે મુરઘો અને તેની સાથેના સાત અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
રાત્રીના દોઢેક વાગ્યે મોહસીનનો ફોન આવ્યો હતો કે, તારી કારમાં આશરે છ થી સાત શખસોએ તોડફોડ કરી કાચ તોડી નાખ્યા છે. જેથી તુરંત 100 નંબર પર કોલ કર્યો હતો અને પીસીઆરવાન અહીં આવી હતી. બાદમાં યુવાને પોલીસ સાથે જેસાણી હોલ સામે પાર્ક કરેલી કાર નંબર જીજે 3 એલબી 8234 વાળી જોતા તેમાં તમામ સાઈડના કાચ તૂટી ગયા હતા. આગળના બોનેટના ભાગે કુહાડા, તલવાર અને ધારીયાના ઘા માર્યાના નિશાનો જોવા મળ્યા હતા. બાદમાં જેસાણી હોલના સીસીટીવી કેમેરના ફૂટેજ જોતા રાત્રિના એકાદ વાગ્યા આસપાસ સમીર ઉર્ફે મુરઘો તથા તેની સાથેના સાતેક શખસો બાઈક પર આવી યુવાનની ગાડી પર સોડા બોટલના ઘા કરી કુહાડા, તલવાર, ધારિયા જેવા હથિયારો વડે તોડફોડ કરતા હોવાનું નજરે પડ્યું હતું. જેમાં ગાડીમાં રૂપિયા અઢી લાખનું નુકસાન થયું હતું.યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેના નાનાભાઈ સોહિલને મોહરમના તહેવાર સમયે ન્યાઝ દેવા બાબતે સમીર ઉર્ફે મુરઘો નાના ભાઈ શાહરૂખ સાથે બોલાચાલી થઈ હતી. જે બાબતનો ખાર રાખી તેની કારમાં તોડફોડ કરવામાં આવી હતી. આ અંગે યુવાનની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.