New Delhi, તા.3
પાકિસ્તાન સામેનું ઓપરેશન સિંદૂર હજુ પૂરૂ થયું નથી અને ભારતે તેના હથીયારો પણ મ્યાન કર્યા નથી તેવા એક સંદેશમાં ભારતીય ભૂમિદળના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ એક આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર -1 સમયે હજુ પણ ભારતીય દળોએ સંયમ રાખ્યો હતો પણ હવે જો પાકિસ્તાન ફરી એકવખત ત્રાસવાદને સ્પોન્સર કરશે તો સંયમ દાખવવામાં આવશે નહીં.
આ સમયે અમે હવે એવું કરશું કે પાકિસ્તાનનું અસ્તિત્વ હતું કે કેમ તે શોધવું પડશે. પાકિસ્તાને જો તેની ભૂગોળ બદલવી હોય તો જ ત્રાસવાદને તેણે ટેકો આપવાનું પસંદ કરવું પડશે. હજુ ગઈકાલે જ વિદેશ મંત્રી રાજનાથસિંહે પણ આ જ પ્રકારે કચ્છમાં સરક્રીકમાં પાકિસ્તાનને ચેતવણી આપી હતી.
તે બાદ આર્મી વડાની ચેતવણી પણ સૂચક બની છે. હજુ આજે જ હવાઈદળના વડાએ પણ પાકિસ્તાનને તેના દાવા મુદે આકરા શબ્દોમાં જવાબ આપ્યો છે. આમ ભારતે પાકિસ્તાન ઉપર લશ્કરી-ડીપ્લોમેટીક દબાણ વધારી દીધુ છે.
એર ચીફ માર્શલ એ.પી.સિંહે ઓપરેશન સિંદુરને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદુર દરમિયાન ભારતે પાકિસ્તાની લડાયક વિમાનોને તોડી પાડયા હતા જેમાં અમેરિકા નિર્મિત એફ-16 અને ચીની જે-17 સામેલ હતા, આટલું જ નહી, પણ તેમણે ભારતીય વિમાનો નષ્ટ થયાના દાવાને પણ ફગાવી દીધા હતા.
એર ચીફ માર્શલ અમરપ્રીતસિંહે શુક્રવારે જણાવ્યું હતું કે મે મહિનામાં ભીષણ લડાઈ દરમિયાન ભારતે પાકિસ્તાનના લડાયક વિમાનો તોડી પાડયા હતા.
એ.પી.સિંહે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને જ યુદ્ધ વિરામની માંગ કરી હતી. તેમણે સરકાર દ્વારા વારંવાર દોહરાવવામાં આવેલા દાવાને રેખાંકીત કરીને જણાવ્યું હતું કે 10 મે ના થયેલું યુદ્ધ વિરામ ઈસ્લામાબાદ દ્વારા શાંતિ માટે કરવામાં આવેલ બાદ પ્રયાસ બાદ કરાયું હતું, નહીં કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના હસ્તક્ષેપ બાદ સીઝફાયર કરાયું હતું.
એ.પી.સિંહે જણાવ્યું હતું કે ભારતીય સેનાએ 300 કિલોમીટર દુર સુધીના લક્ષ્યો પર હુમલા કર્યા હતા. વાયુસેનાના પ્રમુખે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદુર દરમિયાન પાકિસ્તાનના પાંચ એફ-16 અને જે-17 વિમાનો લડાયક વિમાનો તોડી પાડયા હતા.
આ હુમલાથી પાકિસ્તાનને ભારે નુકશાન થયું હતું. ભારતે પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં વિમાન મથકો, કમાન્ડ કંટ્રોલ સેન્ટર બે રનવે, ત્રણ હેંગર અને અનેક આતંકી અડ્ડાઓ નષ્ટ કર્યા હતા.
એર ચીફ માર્શલે કહ્યું હતું કે અમે લડાઈને એ સ્થિતિમાં પહોંચાડી જયાં તે આપણી પાસે યુદ્ધ વિરામની માંગ કરે ત્યારબાદ અમે એક રાષ્ટ્ર તરીકે સંઘર્ષ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. કારણ કે અમે જે ઉદેશ માટે લડાઈ શરૂ કરી હતી તે પુરો થઈ ચૂકયો હતો. મને લાગે છે કે આ કંઈક એવું છે, જેનાથી દુનિયાએ આપણી પાસેથી શીખ લેવી જોઈએ.