ભાવનગર જિલ્લાના ૧૦ કાઉન્ટીંગ સેન્ટરો પર આજે સવારે ૯ કલાકથી એજન્ટોની હાજરીમાં પોલીંગ સ્ટાફ દ્વારા મતપેટીઓમાંથી બેલેટ પેપર કાઢી મતગણના શરૂ કરાઈ હતી. અલગ-અલગ ગ્રામ પંચાયતોની સરપંચ-સભ્યોની બેઠકની ચૂંટણીના પરિણામ જેમ-જેમ જાહેર થતાં જતાં હતા. તેમ તેમ વિજેતા ઉમેદવારોના સગા-સબંધીઓ, ટેકેદારો, સમર્થકોમાં ઉત્સાહનો માહોલ અને જીત નિશ્ચિત હોવાની આશા ઉપર પાણી ફરી વળતા હારેલા ઉમેદવારોમાં નિરાશા જોવા મળી હતી. આમ, આજે સવારથી મોડી રાત્રિ સુધી કહીં ખુશી, કહીં ગમ જેવો માહોલ રહ્યો હતો. ચૂંટાય આવેલા સરપંચ અને સભ્યોને ફૂલહાર કરી મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા. જ્યારે જીતનો જશ્ન મનાવવા વિજય સરઘસો પણ નીકળ્યાં હતા. કેટલીક ગ્રામ પંચાયતોમાં મતોની પાતળી સરસાઈથી હારજીતનો ફેંસલો થયો હતો. મતગણના શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં ચૂંટણી તંત્ર અને પોલીસ વિભાગે હાશકારો અનુભવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, સમર્થકો અને ટેકેદારોનું ટોળું વહેલી સવારથી જ ચૂંટણી પરિણામ જાણવા માટે કાઉન્ટીંગ સેન્ટરો આસપાસ અને ગામોમાં એકઠા થઈ ગયું હતું. મતગણતરી માટે ૭૩૩ પોલિંગ સ્ટાફ, ૫૧૫ પોલીસ સ્ટાફ અને વર્ગ-૪ના ૧૯૪ કર્મચારીએ ફરજ બજાવી હતી.
બોટાદ જિલ્લામાં ૩૧ ગ્રામ પંચાયતની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર અને ૧૦ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં આજે બુધવારે ચારેય તાલુકા મથકે ઉભા કરવામાં આવેલા એક-એક મતગણતરી સ્થળે મતગણના કરવામાં આવી હતી. બોટાદ જિલ્લામાં રાત્રિ સુધી ચાલેલી મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ઘટી ન હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આમ, આજે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પૂર્ણ થતાં સરકારી તંત્રએ રાહતનો દમ લીધો હતો. જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલા સરપંચ અને સભ્યોનું ફૂલહાર પહેરાવી, મોં ગળ્યું કરી જીતના અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
જેસર તાલુકાની ૧૩ ગ્રામ પંચાયતમાંથી ૯ ગ્રામ પંચાયત સમરસ થઈ હતી. જે ત્રણ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાઈ હતી. તેમાં બીલા ગામના સરપંચ તરીકે સવિતાબેન હિંમતભાઈ રાદડિયા, સનાળાના સરપંચ તરીકે અશોકસિંહ બાબુભા સરવૈયા અને સરેરાના સરપંચ તરીકે મયુરભાઈ વાસુરભાઈ કામળિયા વિજેતા જાહેર થયા હતા. રાજપરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક પણ ઉમેદવારે ફોર્મ ન ભરતા હવે આગામી સમયમાં રાજ્યની અન્ય ગ્રામ પંચાયતો સાથે ચૂંટણી જાહેર થશે. જ્યારે અયાવેજમાં એક વોર્ડ માટે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી અને આજના પરિણામને લઈ ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વિજેતા થયેલા ઉમેદવારોને જીતના અભિનંદન પાઠવાયા હતા.
બરવાળ તાલુકાની શાહપુર ગ્રામ પંચાયત સમરસ થતાં સરપંચ તરીકે જયેશભાઈ પટેલની પસંદી કરાઈ છે. આજે જાહેર થયેલા ચૂંટણી પરિણામમાં રેફડા ગામના સરપંચ તરીકે કાનજીભાઈ વાળાની જીત થઈ હતી. તમામ સભ્યો બિનહરીફ વિજેતા થયા હતા. વાઢેળા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ ખેલાયો હતો. જેમાં સરપંચ તરીકે શક્તિસિંહ ચુડાસમાની જીત થઈ હતી. નવા નાવડા ગ્રામ પંચાયતના સરપંચે રાજીનામું આપતા યોજાયેલી ચૂંટણીમાં હેમલતાબેન મોણપરાનો સરપંચ તરીકે વિજય થયો હતો. રોજીદ અને ભીમનાથ ગ્રા.પં.માં એક-એક સભ્ય માટેની પેટા ચૂંટણીના પરિણામો પણ આજે જાહેર થયા હતા. ચૂંટણીમાં વિજયી થયેલા ઉમેદવારોનું વાજતે-ગાજતે સરઘસ નીકળ્યું હતું.
ધંધુકા તાલુકામાં આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી થઈ હતી. જેમાં પાંચ ગામને નવા સરપંચ મળ્યાં છે. એક ગ્રામ પંચાયત સમરસ થઈ હતી. આજે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં ઉમરગઢના સરપંચ પદે હલુબેન છુવારા, મોટા ત્રાડિયાના સરપંચ પદે દિનેશભાઈ ખાંભલા, હડાળાના સરપંચ તરીકે પિન્ટુબેન મેર, ફેદરાના સરપંચ તરીકે રાજુભાઈ સોલંકી અને બાજરડા ગ્રામ પંચાયતની મોડી રાત સુધી મતગણતરી ચાલી રહી હોવાથી વિજેતા સરપંચનું નામ જાહેર થઈ શક્યું ન હતું.