શેર બજારમાં રોકાણ કરી સારૂ વળતર મેળવવા જતાં નિવૃત્ત અધિકારી સાથે લાખોની ઓનલાઇન છેતરપિંડી આચરી લેવામાં આવી’તી
Rajkot,તા.08
સાયબર ક્રાઈમનો ભોગ ઉચ્ચ શિક્ષણ ધરાવતાં લોકો અને અધિકારીઓ પણ બની રહ્યાં છે. ત્યારે રાજકોટમાં નિવૃત ડેપ્યુટી કલેકટર પણ સાયબર ફ્રોડનો ભોગ બન્યાં હતાં અને શેરમાર્કેટમાં વધું નફો કમાવવાની લાલચમાં રૂ.૬૪ લાખ ગુમાવવાનો વારો આવ્યાં હતો. જે બાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી એકાઉન્ટ ધારક કમીશન એજન્ટ મોનુને મધ્યપ્રદેશથી દબોચી લીધો હતો.
બનાવ અંગે રાજકોટમાં બજરંગવાડી શેરી નં.૧૧ માં લોટ્સ કોમ્પ્લેક્સમાં રહેતાં નિવૃત ડેપ્યુટી કલેક્ટર દિનેશકુમાર સળીયાજી નિનામા (ઉ.વ.૫૯) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અલગ અલગ મોબાઈલ નંબરના ધારક તેમજ એક્સપિરિયન્સ એક્સચેન્જ ગ્રૂપ અને નિનામા દિનેશકુમાર સલીયાજી કન્સલ્ટિંગ ગ્રૂપના એડમીનનું નામ આપતાં સાયબર ક્રાઈમ પોલીસે છેતરપીંડી, આઈટી એક્ટ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી. તા.૦૬/૦૧/૨૦૨૫ ના વ્હોટ્સઅપ નં. ૮૫૪૧૮૪૦૮૫૨ પરથી મેસેજ આવેલ હતો જેમાં શેરમાર્કેટમાં રોકાણ કરી પ્રોફીટ કમાવા માટેની વાત કરેલ હતી. અન્ય વોટ્સએપ ગ્રુપ જેનુ નામ નિનામા દિનેશકુમાર સળિયાજી કન્સલટિંગ ગ્રુપ એડમીન તરીકે પણ અલગ અલગ વ્હોટ્સઅપ નંબરના ધારક હતાં. જે બાદ સામાવાળાઓએ પ્લે સ્ટોર પરથી 5 મેક્સ પ્રો નામની એપ ડાઉનલોડ કરાવેલ હતી. જે હાલ પ્લે સ્ટોર પર નથી. આ એપમાં તેઓએ ફરીયાદીનાં આઇડી, પાસવર્ડ જનરેટ કરીને ટ્રેડ કરવા માટે આપેલ જે બાદ એક્સપેરિએન્સ એક્સચેન્જ ગ્રુપમાં રોજ અલગ અલગ ટ્રેડ લેવા માટે મેસેજ આવતા જેમાં તા.૦૭/૦૧/૨૦૨૫ ના ગ્રુપમાં એક ટ્રેડ લેવા માટે મેસેજ મળેલ જેથી સામેવાળાના એકાઉન્ટમાં રૂ.૫૦ હજાર જમા કરાવેલ હતાં.
જેના પ્રોફીટ સાથેની રકમ તેઓની એપના વોલેટમાં બતાવતા હતા. જે બાદ ફરીથી બે વખત રૂ.૫૦ હજાર આરોપીના એકાઉન્ટમાં જમા કરેલ હતા. જે બાદ તેણે આઇપીઓ ખરીદવાની ઓફર કરી અને તે સમયે કવોડરન્ટ ફ્યુચર ટેકનો આઇપીઓ શરુ હતો જેથી આ આઇપીઓ ખરીદેલ જેના ૧૫ હજાર શેર લાગેલ હોય તેવુ વોલેટમાં જોવા મળતું હતું. જે પેટે રૂ. ૧૮ લાખની માંગણી આરોપીઓએ કરેલ હતી. જે પૈકી ૧૫ લાખ આરટીજીએસથી આરોપીના એકાઉન્ટમાં જમા કરેલ હતા.
આ બનાવમા કુલ રૂ. ૬૪,૫૦,૦૯૪ આરોપીના અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરેલ હતાં. સાયબર ક્રાઇમ પીઆઇ જે.એમ.કૈલા અને પી.આર.ડોબરીયાના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ આદરી સાયબર ફ્રોડના નાણા પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા લેનાર આરોપી જીતેંદ્ર ઉર્ફે મોનુ રાધેશ્યામજી શર્મા (ઉ.વ.૩૯, ધંધો- કમીશન એજંટ(માર્કેટીંગ યાર્ડ), રહે.ફર્સ્ટ ફ્લોર, આશીર્વાદ સદન, નીમચ, મધ્ય પ્રદેશ) ને પકડી પાડી પૂછતાછ આદરી હતી.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ આરોપીએ ગુનાના મુખ્ય સૂત્રધારને પોતાનું બેન્ક એકાઉન્ટ ભાડેથી આપ્યું હતું, જે એકાઉન્ટમાં 15 લાખ જમા થયેલ છે. આ ગુનામાં મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે પકડાયેલા આરોપીને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાય છે.