Bhuj તા.28
સરકાર, પોલીસ અને સોશિયલ મીડિયા મારફતે સતત સાયબર ફ્રોડ – ડિજિટલ અરેસ્ટ અંગેની જાગૃતિ ફેલાવવામાં આવી રહી હોવા છતાં આ પ્રકારના ગુન્હામાં ઉછાળો આવ્યો છે તેવામાં કચ્છમાં એક નિવૃત્ત મહિલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ને જ સાયબર માફિયાઓએ શિકાર બનાવતા ખળભળાટ મચી ગયો છે.
ઇન્ટરનેશનલ લેવલે અલગ અલગ દેશોના લોકોને મૂર્ખ બનાવી ડિજિટલ અરેસ્ટ કરીને લાખો – કરોડો રૂપિયા ઠગી લેતા એક મોટા નેટવર્ક ઉપર થાઈલેન્ડની મિલિટરી એન્ડ સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો પોલીસે રેડ કરી ત્યારે મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. થાઈ-કમ્બોડીયન બોર્ડર ઉપર આવેલા સુવિન પ્રાંતમાં ચાલતા આંતરરાષ્ટ્રીય ઓનલાઇન સ્કેમર ઉપર દરોડા બાદ ત્યાંની પોલીસે ચીટરોએ જેમને ડિજિટલ અરેસ્ટ કરીને ઠગ્યા હતા તેની માહિતી મળી હતી.
જેમાં ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં રહેતા એક નિવૃત્ત મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પણ બે મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને ટુકડે ટુકડે 83 લાખ જેટલી માતબર રકમ ચીટરો દ્વારા પડાવી લેવામાં આવ્યા હોવાનું ઇનપુટ બોર્ડર રેન્જના સાયબર સેલને આપવામાં આવ્યું હતું. થાઈ એજન્સીના ઇનપુટના પગલે ભુજના મહિલા PSIને જયારે આ અંગે જાણ કરવામાં આવી ત્યારે તેમને ખબર પડી કે, તેમને સાયબર માફિયાઓ દ્વારા ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમનું લાખો રૂપિયાનું ચીટિંગ થઈ ગયું છે.
23મી જાન્યુઆરીના રોજ થાઈ એજન્સી દ્વારા પાડવામાં આવેલા દરોડા બાદ તેમની પાસેથી મળેલા ઈનપુટને આધારે બોર્ડર રેન્જના સાયબર સેલની ટીમ દ્વારા ભુજમાં સ્વૈચ્છીક નિવૃત્તિ (VRS) લઈએ એકાકી જીવન ગુજારતા મહિલા સબ ઇન્સ્પેક્ટર રાજ્યલક્ષ્મી ચિદમ્બરમ જોશીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
કચ્છની પોલીસે જયારે ઘરે આવીને મહિલા PSIને જાણ કરી ત્યારે તેમને ખબર પડી હતી કે, તેમને ડિજિટલ અરેસ્ટ કરીને છેતરવામાં આવ્યા છે. અને ત્યારબાદ તેમની ડિજિટલ અરેસ્ટ સાયબર ફ્રોડની FIR નોંધવામાં આવી હતી. ગઠિયાઓએ તેમને ઊઉના મની
લોન્ડરિંગ કેસની ખોટી ધમકી આપીને સુપ્રીમ કોર્ટ તેમજ મુંબઈ પોલીસની બીક બતાવીને ટુકડે ટુકડે કરીને 83 લાખની માતબર રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધી હતી.

