7.45 લાખનો ચેક રિટર્ન કેસને અંતિમ તબકકે આરોપી ટ્રાયલ ડિલે કરી રહ્યા : ફરિયાદીના વકીલ સુરેશ ફળદુ
Rajkot,તા.03
નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટસ સ્પેશિયલ કોર્ટમાં ચાલતા 7.45 લાખનો ચેક રિટર્ન કેસમાં અંતીમ તબક્કે ચેક એફએસએલમાં મોકલવાની અરજી નામંજૂર થવા સામે આરોપીએ કરેલી રિવિઝન અરજી પણ સેશન્સ કોર્ટે નામંજૂર કરી રૂ. 5,000ની કોસ્ટ ફટકારી છે.
આ અંગેની હકીકત મુજબ, રાજકોટમાં ગુંદાવાડીમાં રહેતા પ્રફુલ શાંતીલાલ પારેખે પોતાના સાળા પાસેથી આવેલા 10 હજાર યુએસ ડોલર જે તે સમયે એચ.ડી.એફ.સી. બેંકના રિલેશનશિપ મેનેજર (એન.આર.આઈ. સર્વિસ) ભવ્યેશ ભોગીલાલ મંદાણીને ભારતીય ચલણમાં રૂપાંતર કરવા આપ્યા હતા. જે ૨કમ રૂ.૭.૪૫ લાખ ચૂકવવા ભવ્ય મંદાણીએ તેની બેંકનો સહી કરી ચેક ઈસ્યુ કરી આપેલ. તે ચેક રિટર્ન થતા પ્રફુલભાઈ પારેખ દ્વારા ભવ્યેશ મંદાણી સામે દાખલ કરેલા કેસના અંતિમ તબકકે આરોપીની ચેક એફ.એસ.એલ.માં મોકલવાની અરજી ટ્રાયલ કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવતા, આરોપીએ તે હુકમને રિવિઝનના માધ્યમથી સેશન્સ અદાલતમાં પડકાર્યો હતો. તેમાં ફરીયાદીના એડવોકેટ સુરેશ ફળદુની કેસની પ્રોસિડિંગ્સ જોતા આરોપી ટ્રાયલ ડિલે કરી રહેલ છે અને અદાલતની પ્રોસેસનો દુરઉપયોગ કરી રહેલ હોવાના મતલબની દલીલો લઈને, રેકર્ડ પરનો પુરાવો અને રજુ કરવામાં આવેલ ચુકાદાઓ ધ્યાને લઈને સેશન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટના હુકમ સામેની રિવિઝન નામંજુર કરી રૂ. રૂા.૫૦૦૦/- કોસ્ટ પેટે ડી.એલ.એસ.એ.માં જમા કરાવવા આરોપીને હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા, તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પીન્સ રામાણી, ભાવીન ખુંટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ રોકાયા છે.