Gondal. તા.30
રિબડા અમીત ખૂંટ આપઘાત પ્રકરણમાં તપાસે ગતી પકડી છે અને સ્યુસાઇડ નોટનો રીપોર્ટ એફએસએલ દ્વારા ગ્રામ્ય પોલીસને આપાયો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવતાં હાલ આરોપીઓને રાહત મળી શકે તેવી સંભાવના ઓછી છે. તેમજ આરોપી અનિદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ રિબડા અને રહીમ મકરાણીને પકડવા ખાસ ટીમો બનાવાઈ છે.
બનાવ અંગે જોઈએ તો રીબડાના અમિત ખૂંટ વિરુદ્ધ ગઈ તા.3 મે ના રોજ રાજકોટના એ-ડિવિઝન પોલીસ મથકમાં તરૂણીએ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. તેના બે દિવસ બાદ ગઈ તા.5 મેના રોજ અમિત ખૂંટે રીબડામાં આવેલી વાડીમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેની પાસેથી પોલીસને એક સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં તેણે રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા, તેના પુત્ર રાજદિપસિંહે હનિટ્રેપમાં ફસાવી બદનામ કરતાં આ પગલું ભર્યાનું લખ્યું હતું.
જેના આધારે ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી રાજકોટમાં દૂષ્કર્મની ફરિયાદ નોંધાવનાર તરૂણી, તેની મહિલા મિત્રની ધરપકડ કરી હતી. ત્યાર બાદ મદદગારીમાં રાજકોટના એડવોકેટ સંજય પંડિત અને ગોંડલના દિનેશ પાતરની પણ ધરપકડ કરી હતી. પોલીસે અમિત ખૂંટની સ્યુસાઈડ નોટમાં તેના જ અક્ષર છે કે કેમ તેની ખરાઈ માટે તેને એફએસએલમાં હસ્તાક્ષર મેચ માટે મોકલી હતી.
જે બાદ ગઈકાલે તેનો અભિપ્રાય આવી જતાં રાજકોટ રૂરલ પોલીસે રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો છે. તે સાથે જ સ્યુસાઈડ નોટના ચોથા પાનાના અક્ષર મેચ નહીં થતાં હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે, પરંતુ પોલીસે આ બાબતે કાંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે. તે પહેલાં અનિરૂદ્ધસિંહ જાડેજાએ પણ સ્યુસાઈડ નોટ પાછળથી ઉભી કરી, તેમાં પોતાનું અને પુત્રનું નામ જોડી દેવાયાનો આક્ષેપ કરી સ્યુસાઈડ નોટ સામે સવાલ ઉઠાવ્યા હતા.
રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે કહ્યું હતું કે, એફએસએલનો રિપોર્ટ પોલીસે કોર્ટમાં રજૂ કરી દીધો છે. જેમાં શું છે તે બાબત પોલીસ જણાવી નહીં શકે. ફરિયાદી કે આરોપી પક્ષના લોકો કોર્ટમાં અરજી કરી આ રિપોર્ટ મેળવી શકે છે. આ કેસમાં આજની તારીખે અનિરૂદ્ધસિંહ જાડેજા, તેના પુત્ર રાજદિપસિંહ અને રહીમ મકરાણી આરોપી તરીકે છે. આ ત્રણેયની શખ્સો ફરાર હોવાથી એલસીબી અને ગોંડલ તાલુકા પોલીસની અલગ અલગ ટીમો તેની શોધખોળ કરી રહી છે.
વધુમાં એસપીએ જણાવ્યું હતું કે, રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે, જેથી આરોપીઓને કોઈ રાહત મળી શકે તેવી સંભાવના જોવાઇ રહી નથી. ઉલ્લેખનીય છે કે, અમિત ખૂંટ આપઘાત કેસમાં ગુજરાત સરકારે પણ હસ્તક્ષેપ કર્યો છે અને સરકાર તરફથી સ્પેશિયલ પીપી તરીકે ચિંતન શાહ અને એડિશનલ પીપી તરીકે હિરેન પટેલની નિમણૂક કરવામાં આવી છે.