ગોંડલ ચોકડી નજીક અલગ અલગ દિવસે ચાર મુસાફરોને રિક્ષામાં બેસાડી લૂંટી લીધાનો ખુલાસો
Rajkot,તા.03
શહેરના રૈયા ટેલિફોન એક્ષચેંજ પાછળ ભીડભંજન સોસાયટીમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા મુકેશભાઈ સોલંકી (ઉ.વ.૪૧)ને ભેટી ગયેલી રિક્ષા ગેંગે રૂા. ૧૫૫૦૦ તફડાવી લીધા હતા. માલવીયાનગર પોલીસે ગુનો નોંધી રિક્ષા ગેંગના બે સભ્યોને ઝડપી લેતાં ચાર ચોરીની કબુલાત ઠગ ટોળકીએ આપી છે.પ્રાપ્ત માહિતી મુજબ મુકેશભાઈ ગઈ તા.૨૧ના રોજ બપોરે ગોંડલ ચોકડીએથી ઘરે જવા માટે રિક્ષામાં બેઠા હતા. તે વખતે રિક્ષામાં એક પેસેન્જર અગાઉથી બેઠો હતો. જેણે રસ્તામાં ઉલટી-ઉબકાનું નાટક કરી મુકેશભાઈના ખીસ્સામાંથી રૂા. ૧૫૫૦૦ તફડાવી લીધા બાદ પુનિતનગરના ટાંકા નજીક તેને ઉતારી દીધા હતા.
જે અંગે માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં તપાસના અંતે પોલીસે રિક્ષા ગેંગના બંને સભ્યોને ઝડપી લીધા હતા. જેમાં ધનજી ઉર્ફે ધનો ઉર્ફ કાળો ચોર દેવજીભાઈ ડેડાણી (ઉ.વ.૪૨, રહે. ઘનશ્યામ સોસાયટી, પોપટપરા સ્મશાન સામે) અને સુનિલ મોહનભાઈ પેરવાણી (ઉ.વ.૪૫, રહે. આસ્થા ચોક / રેલનગર)નો સમાવેશ થાય છે. બંને આરોપીઓએ ગોંડલ ચોકડી પાસેથી છેલ્લા અઠવાડીયામાં ત્રણેક પેસેન્જરોને બેસાડી તેમના ખીસ્સામાંથી રૂા.૨૫૦૦, રૂા.૪૭૦૦ અને રૂા.૧૩૩૦૦ ચોરી કર્યાની કબુલાત આપી છે. જોકે આ અંગે ગુના દાખલ થયા નથી. બંને આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂા.૧૫,૫૦૦ અને ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા કબજે કરી હતી..