ફ્રૂટના પૈસા માંગી બે શખ્સો તૂટી પડ્યા, લાદી ઝીંકી દેતા યુવક બેભાન થઈ ઢળી પડ્યો
Jasdan,તા.15
જસદણમાં ફક્ત રૂ. 500 ની ઉઘરાણીમાં રીક્ષાચાલક યુવાન પર બેલડીએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. ફ્રૂટના પાંચ સો રૂપિયાની ઉઘરાણી કરી લાદી ઝીંકી માથું ફોડી નાખનાર બેલડી વિરુદ્ધ જસદણ પોલીસમાં ગુનો નોંધાયો છે. જસદણ તાલુકા પંચાયત કચેરી નજીક રહેતા 28 વર્ષીય યુવાન ભગવાનભાઈ ધીરુભાઈ રાઠોડે જસદણ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમીન અને મોહસીન નામના શખ્સનું નામ આપતાં જણાવ્યું હતું કે, બંને મોટરસાયકલમાં ધસી આવ્યા હતા. બંને શખ્સો પાસેથી મે આશરે મહિના પહેલા એક ટન તરબૂચ લીધેલ હતા જેના પૈસા મારે છ હજાર રુપીયા લેખે ચૂકવવાના હતા. જે પૈકી 500 રૂપિયા આપવાના બાકી હતા. બંને શખ્સો મોટરસાયકલમાં ધસી આવ્યા બાદ કહેવા લાગેલ હતા કે, અમારા 500 રૂપિયા બાકી છે તે અમને આપી દે. જેથી મેં બંનેને કહેલ કે, અત્યારે મારી પાસે 500 સો રૂપિયા નથી, હું તમને સાંજે આપી દઈશ. તેવું કહેતા જ બંને મારી સાથે બોલાચાલી કરવા લાગેલ હતા. મોહસીને લાદીનો કટકો મને માથાની ડાબી બાજુએ મારી દેતા હું ત્યાં બેભાન થઈ પડી ગયેલ હતો. બાદમાં યુવાનને પ્રથમ જસદણ સરકારી હોસ્પિટલ અને ત્યાંથી આટકોટ કે ડી પરવાડીયા હોસ્પિટલ અને બાદમાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. યુવકે હોસ્પિટલના બિછાનેથી ફરિયાદ આપતાં જસદણ પોલીસે ગુનો નોંધી બંને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.