Mumbai,તા.૧૦
જ્યારે પણ ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ટેસ્ટ મેચ રમવા માટે મેદાનમાં ઉતરે છે, ત્યારે તેના નિશાન પર ચોક્કસ કોઈ રેકોર્ડ હોય છે. પંતે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધી બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે ઋષભ પંત પાસે લોર્ડ્સમાં બીજો ઇતિહાસ રચવાની તક હશે. પંતે અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં કુલ ૮૬ છગ્ગા ફટકાર્યા છે. હવે તેની પાસે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બનવાની તક હશે.
વિરેન્દ્ર સેહવાગ ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં કુલ ૯૦ છગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્માનું નામ આ યાદીમાં બીજા ક્રમે છે. હિટમેને પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ૮૮ છગ્ગા ફટકાર્યા છે. હવે ઋષભ પંત પાસે આ બંને બેટ્સમેનોને પાછળ છોડી દેવાની સુવર્ણ તક હશે. પંતને રોહિત શર્માને પાછળ છોડી દેવા માટે ત્રણ છગ્ગા અને સેહવાગને પાછળ છોડી દેવા માટે પાંચ છગ્ગાની જરૂર છે. આ શ્રેણીની વાત કરીએ તો, પંતે અત્યાર સુધી ચાર ઇનિંગ્સમાં ૧૩ છગ્ગા ફટકાર્યા છે. તે આ શ્રેણીમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન છે. હવે જોવાનું એ રહે છે કે પંત લોર્ડ્સમાં આ રેકોર્ડ તોડી શકશે કે નહીં.
ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેન
વીરેન્દ્ર સેહવાગઃ ૯૦ છગ્ગા
રોહિત શર્માઃ ૮૮ છગ્ગા
ઋષભ પંતઃ ૮૬ છગ્ગા
એમએસ ધોનીઃ ૭૮ છગ્ગા
રવીન્દ્ર જાડેજાઃ ૭૨ છગ્ગા
ઋષભ પંતે લીડ્સમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. તેણે પ્રથમ ઇનિંગ્સમાં ૧૩૪ રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઇનિંગ્સમાં તે ૧૧૮ રન બનાવીને આઉટ થયો હતો. તેણે બીજી મેચમાં પણ ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગ્સમાં તેણે અડધી સદી ફટકારી હતી. ત્યાં તેણે ૫૮ બોલમાં ૬૫ રન બનાવ્યા હતા. પંત શ્રેણીની બાકીની ત્રણ ટેસ્ટ મેચોમાં આ ફોર્મ જાળવી રાખવા માંગશે.