Ahmedabad,તા.૨૨
ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર હોય તેવું વર્ષ ૨૦૨૩-૨૪ માં રોડ સેફ્ટી રિપોર્ટમાં ખુલાસો થયો છે.ત્યારે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂનું સેવન કરતા હોવાનો રોડ સેફ્ટી રિપોર્ટમાં ખુલાસો થતા સરકાર પણ ચોંકી ઉઠી હતી.
વર્ષ ૨૦૨૩-૨૪ માં રોડ સેફ્ટી દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રોડ સેફ્ટી રિપોર્ટમાં ગુજરાતમાં માત્ર દારૂબંધી કાગળ પર હોય તેવા આંકડા સામે આવ્યા છે. એક વર્ષમાં ગુજરાતમાં ૨૭,૪૯૫ કેસ દારૂ પીને વાહન ચલાવવાનાં નોંધાવા પામ્યા છે. ત્યારે વર્ષ ૨૦૨૧-૨૨ માં દારૂ પી ને વાહન ચલાવવાનાં ૧૩૧૫૩ કેસ નોંધાયા હતા.
રાજ્યમાં વધતા જતા અકસ્માતને લઈ હાઈકોર્ટ દ્વારા કડક નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં દ્વિચક્રીય વાહન ચલાવનાર વ્યક્તિએ ફરજીયાત હેલ્મેટ પહેરવું અને કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહીનો આદેશ કરવામાં આવ્યો હતો.
વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન રોડ સેફ્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ રિપોર્ટમાં હેલ્મેટ નહી પહેરવાનાં સંદર્ભે ૩,૩૧,૪૪૫ ગુના નોંધવામાં આવ્યા હતા. તેમજ સીટ બેલ્ટ નિયમ ભંગનાં ૪૨,૧૮૨ ગુનાં નોંધાવા પામ્યા છે. તેમજ ઓવર સ્પીડનાં ૧,૬૬,૮૧૩ ગુનાં તેમજ ટ્રાફિક સિગ્નલને લગતા ૩,૨૩,૮૦૯ ગુનાઓ તેમજ વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા બદલ ૨,૦૩,૪૦૪ ગુનો નોંધાવા પામ્યા છે.
રાજ્યમાં વધતા જતા અકસ્માતને લઈ હાઈકોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં દ્રિચક્રી વાહન પર બેસનાર બંને વ્યક્તિઓ ફરજીયાત હેલ્મેટ પહેરવું અને કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સરકારી કચેરીઓમાં આવતા દ્રિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે. તેમજ વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને વ્યક્તિઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે.
ગુજરાત હાઇકોર્ટ એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન અમદાવાદના ટ્રાફિક અને તે દૂર કરવાની વ્યવસ્થાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સાથો સાથ હાઈકોર્ટે બાઈક ચાલકોને ફરજીયાત હેલ્મેટ પહેરવાની અમલવારી કરાવવા આદેશ કર્યો છે. બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું તે અંગે અમલવારી ન થતી હોવાથી હવે તે પણ અમલવારી કરાવવા આદેશ કર્યો છે.
હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે, અમદાવાદની સ્થિતિ મુંબઈ જેવી બની ગઈ છે, ત્યારે વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે ૧૫ દિવસમાં હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા હાઇકોર્ટ સરકારને આદેશ કર્યો છે.
કોર્ટના આ આદેશ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટ જે માર્ગદર્શન આપે છે તે અમે કરીએ છીએ. હાઈકોર્ટના આદેશ બાબતે સમીક્ષા કરીશું, જે સમીક્ષા બેઠક સાંજે બોલાવવામાં આવી છે.