ફિલ્મના કલાકારોમાં મુખ્ય ભૂમિકાઓમાં અભિનેતા સાઇન બોબોરો, જોન સાઇકે, રીતોબોરી ચક્રવર્તી અને પ્રકાશ બેરનો સમાવેશ થાય છે
Mumbai તા.૬
ત્રણ વખતના ગ્રેમી વિજેતા રિકી કેજે પાપા બુકા માટે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું છે, જે ઓસ્કારમાં પાપુઆ ન્યુ ગિનીની પ્રથમ સત્તાવાર એન્ટ્રી છે. ત્રણ વખતનાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા ડૉ. બીજુ (બિજુકુમાર દામોદરન) દ્વારા ડિરેક્ટ થયેલી, આ ફિલ્મને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ(ટોક પિસિન) કૅટેગરીમાં પસંદ કરવામાં આવી છે.તેને ગર્વની ક્ષણ ગણાવતા, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા રિકી કેજ કહે છે, “આ ઓસ્કારની દોડમાં પહેલું પગલું છે, પરંતુ મારા માટે, ૩,૦૦૦ વર્ષથી વધુ જૂના ઇતિહાસમાં મૂળ સંગીત બનાવવાનો આનંદ રહેલો છે. ભારત અને પાપુઆ ન્યુ ગિની વચ્ચેનો આ સહયોગ ભારતીય ઇતિહાસકારોની વાર્તા કહે છે કે જેઓ બીજા વિશ્વયુદ્ધના એક સ્થાનિક અનુભવીને શોધી રહ્યા છે, જે તેમને ભુલાઈ ગયેલા રહસ્યો જાણવામાં મદદ કરે.” આ સંગીત માટે, કેજે આદિવાસી અવાજોમાંથી પ્રેરણા લીધી. આ અંગે તેઓ જણાવે છે, “આ ખૂબ જ સૂક્ષ્મ ફિલ્મ છે, તેથી સંગીત તેની સાથે સુમેળમાં હોવું જરૂરી હતું. મેં તેને બનાવવા માટે દેશી આદિવાસી સંગીત, સ્વદેશી વાદ્યો, જંગલના અવાજો, લય, આર્કાઇવલ રેકોર્ડિંગ્સ અને કુદરતી અવાજો-સ્થળોનો અભ્યાસ કર્યો.” ફિલ્મના કલાકારોમાં મુખ્ય ભૂમિકાઓમાં અભિનેતા સાઇન બોબોરો, જોન સાઇકે, રીતોબોરી ચક્રવર્તી અને પ્રકાશ બેરનો સમાવેશ થાય છે. કેજ કબૂલે છે કે જેનો સમાજ પર મજબુત પ્રભાવ પડી શકે તેમ હોય એવી જ ફિલ્મ તેઓ પસંદ કરે છે. એટલા માટે, ગ્લોબલ પ્રોજેક્ટ છતાં, તેમણે હજુ સુધી બોલીવુડ માટે સંગીત આપ્યું નથી. રિકિ કેજે કહ્યું, “મને હિન્દી ફિલ્મો જોવાનું ગમે છે પણ હું આઇટમ નંબર કે પુરુષવાદી વિચારધારાના ગીતો કરી શકતો નથી. હું એવા સંગીત સાથે જોડાયેલો છું જે મારું પ્રતિનિધિત્વ કરે છે અને કદાચ તેથી જ મેં ત્રણ ગ્રેમી એવોર્ડ જીત્યા છે. છતાં, મને કોઈ દિવસ બોલિવૂડ માટે સંગીત આપવાનું ગમશે.”