Surendranagar, તા.10
રાજ્ય ચૂંટણી આયોગે ચોટીલા નગરપાલિકાની આગામી ચૂંટણી માટે બેઠકોનું રોટેશન (અનામત ફાળવણી) જાહેર કર્યું છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, ચોટીલા નગરપાલિકાની કુલ વસ્તી 21,364 છે અને તેમાં કુલ 6 વોર્ડ આવેલા છે. આ ચૂંટણીમાં કુલ 24 બેઠકો પર મતદાન થશે.
જાહેર કરાયેલા રોટેશન મુજબ, કુલ 24 બેઠકોમાંથી 12 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. અનુસૂચિત જાતિ (SC) માટે 3 બેઠકો અનામત છે, જેમાંથી 1 બેઠક અનુસૂચિત જાતિની મહિલા માટે અનામત રહેશે. અનુસૂચિત આદિજાતિ (ST) માટે કોઈ બેઠક અનામત રાખવામાં આવી નથી.
પછાત વર્ગ (OBC) માટે કુલ 5 બેઠકો અનામત રાખવામાં આવી છે, જેમાંથી 3 બેઠકો પછાત વર્ગની મહિલાઓ માટે અનામત રહેશે. આમ, કુલ 17 બેઠકો અનામત શ્રેણીમાં આવે છે, જ્યારે 7 બેઠકો સામાન્ય (બિનઅનામત) શ્રેણી માટે ફાળવવામાં આવી છે.
વોર્ડ દીઠ બેઠકોની ફાળવણી પણ સ્પષ્ટ કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, વોર્ડ નંબર 1 માં એક બેઠક પછાત વર્ગ માટે અને અન્ય ત્રણ બેઠકો સામાન્ય શ્રેણી માટે ફાળવવામાં આવી છે.
વોર્ડ નંબર 2 માં એક બેઠક પછાત વર્ગ, એક અનુસૂચિત જાતિ અને બે સામાન્ય શ્રેણી માટે અનામત છે. તેવી જ રીતે, વોર્ડ નંબર 5 માં એક બેઠક અનુસૂચિત જાતિ, એક પછાત વર્ગ અને બે સામાન્ય શ્રેણી માટે અનામત રાખવામાં આવી છે.