Rajkot તા.18
આજરોજ કલેકટર કચેરી ખાતે જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલી પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં ભા.જ.પ.નાં જ ધારાસભ્ય ડો.દર્શિતા શાહે તડાફડી બોલાવી હતી અને શહેરનાં રેલનગર સહિતની અનેક રેશનીંગની દુકાનોમાંથી ગરીબ લાભાર્થીઓને સડેલુ અને અખાદ્ય અનાજ મળતુ હોવાની જીલ્લા કલેકટરને ગંભીર ફરીયાદ કરી હતી.ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બેઠકમાં સાંસદ મોકરીયા અને ચેમ્બરનાં પ્રતિનિધિ રાજુ ઝુંઝાએ સડેલા અનાજનો મુદો ઉઠાવ્યો હતો.
જીલ્લા કલેકટરે આ પ્રશ્ને પુરવઠા વિભાગને ચેકીંગ કરવા સુચના આપી હતી. દરમ્યાન આજની બેઠકમાં હાજર રહેલા ચેમ્બરનાં પ્રતિનિધિ જુથએ તહેવારો ટાણે જ એક સપ્તાહ કરતાં વધુ સમયથી સળગતી સર્વરની સમસ્યાનો પ્રશ્ન ઉપસ્થિત કરી આ પ્રશ્નને નિવારવા જીલ્લા વાઈઝ સોફટવેર બનાવવા સુચન કર્યુ હતું તેમજ વૃદ્ધ રેશનકાર્ડ ધારકોનાં અંગુઠા મેચ થતા ન હોય તેઓ અનાજથી ઉચીત રહે છે.
આથી આ બાબતે છુટછાટ આપવા અને ખરેખર જરૂરતમંદ લોકોને એપીએલ/બીપીએલ કાર્ડ આપવા પણ કલેકટર રજુઆત કરાઈ હતી.જયારે શહેરની 264 પૈકી 133 દુકાનોમાં હજુ ઝોનલ દ્વારા તપાસ કરાઈ ન હોય આ બાબતે પણ પ્રતિનિધિઓએ કલેકટરનું ધ્યાન દોર્યુ હતું.
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં આજે રાજકોટ શહેર-જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ પી.એમ. પોષણ યોજના અંગેની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટર ડો. ઓમ પ્રકાશે વિવિધ કામગીરીઓ સંદર્ભે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
બેઠક દરમિયાન કલેક્ટરે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અંત્યોદય રાશન કાર્ડ અને અગ્રતા ધરાવતા કુટુંબોને આવશ્યક ચીજવસ્તુઓ ઘઉં, ચોખા, બાજરીના વિતરણ, ‘વન નેશન, વન રાશન કાર્ડ’ યોજના અંતર્ગત થયેલી કામગીરી, તાલુકા પ્રમાણે વાજબી ભાવની દુકાનોની સંખ્યા અને તેની તપાસ, NFSA હેઠળ ઇ-કે.વાય.સી.ની કામગીરી, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસણી, સીઝર વાજબી ભાવની દુકાનો સહિતની બાબતોની વિગતવાર સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહે સડેલા અનાજના મુદ્દે ફરી ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે કલેક્ટરને જણાવ્યું હતું કે, “અગાઉ પણ અનેક વખત સડેલા અનાજ અંગે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
હજી પણ ઘણી બધી સરકારી સસ્તા અનાજની દુકાનોમાં સડેલું અનાજ અને હલકી કક્ષાનો અનાજ મળી રહ્યો છે. અધિકારીઓ માત્ર તપાસનું નાટક જ કરે છે.” તેમણે રજૂઆતની ગંભીરતા લઈ તાત્કાલિક સંસ્થાઓ, દુકાનો અને અન્ય વિતરણ કેન્દ્રોની ચકાસણી હાથ ધરવામાં આવે તેવી માંગણી કરી હતી.
તેમજ વારંવાર સર્વર ડાઉન થવાના મુદ્દે પણ બેઠકમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જોકે, અધિકારીઓ દ્વારા આ અંગે હાથ ઊંચા કરી દેવામાં આવ્યા હતા અને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, “આ પ્રશ્ન ગાંધીનગર સ્તરેથી છે. આનું નિરાકરણ સ્થાનિક (લોકલ) લેવલથી કોઈપણ સંજોગોમાં આવી શકે નહીં.”