Dhoraji,તા.04
ધોરાજીના જુના ઉપલેટા રોડ પર આવેલ કારખાનાની ઓફિસમાંથી રૂ. 1.50 લાખ ભરેલી થેલીની ઉઠાંતરીનો બનાવ સામે આવ્યો છે. ધોળા દિવસે ઓફિસનો લોક તોડી થયેલી ચોરીમાં તસ્કર કોઈ જાણભેદું હોવાની આશંકાએ ધોરાજી પોલીસે તપાસ શરૂ કરી છે.
ધોરાજીના જમનાવડ રોડ પર પ્રયાગ સોસાયટીમાં રહેતા 48 વર્ષીય કારખાનેદાર પ્રવિણભાઈ વિઠ્ઠલભાઈ વાવૈયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારે મારા ભાઈઓ સાથે ભાગીદારીમાં ધોરાજી જુના ઉપલેટા રોડ હરસિધ્ધી મીલની બાજુમાં ન્યુ પાટીદાર પેકેજીંગ નામથી પ્લાસ્ટીકની સુતળી બનાવવાનું કારખાનું આવેલ છે. જય બાબાદેવ સ્ક્રેપ ટ્રેડ નામની વડોદરા ખાતે આવેલ પેઢીના માલીક બાબુભાઈને રૂ.૧,૪૭,૫૦૦ નું આંગડીયુ કરવાનું હોય જેથી હું મારા ઘરેથી સવારે આશરે આઠ વાગ્યે રૂ. 1.50 લાખ થેલીમાં લઈને કારખાને જવા માટે નિકળેલ હતો. આશરે પંદર મિનીટ બાદ કારખાને પહોંચ્યો હતો. બાદમાં મારા બંને ભાઈઓ મનસુખભાઈ અને શૈલેષભાઈ પણ કારખાને આવી ગયેલ હતા અને મારા કારખાનમાં કામ કરતા બે મજુરો પણ કામે આવી ગયેલ હતા. મે મારી પાસે રહેલ રૂ. 1.50 લાખ ભરેલ થેલી ઓફીસની ખુરશી પર રાખી દીધેલ હતા. સવારના આશરે નવ વાગ્યે હું તથા મારા બંને ભાઈઓ ઓફિસને લોક કરી પ્લાસ્ટીકના ગરુઠા બનાવવાના ભડીયાની બ્લેડો બદલવાની હોય જેથી અમે ગોડાઉનમાં ગયેલ હતા. આશરે દસ વાગ્યે બ્લેડો બદલાવી ગોડાઉનમાંથી બહાર આવતા હતા. ત્યારે મજુરે ચા બનાવી તે ચા પીધી હતી. બાદમાં મનસુખભાઈ મામલતદાર કચેરી ખાતે જવા નીકળી ગયા હતા. બાદમાં હું તથા શૈલેષભાઈ કારખાનાની ઓફીસમાં ગયેલ ત્યારે ઓફીસનો દરવાજો ખુલ્લો હતો. મે ઓફીસની અંદર આવેલ ખુરશી પર રાખેલ રૂ. 1.50 લાખ ભરેલી થેલી ક્યાંય જોવા મળી ન હતી. બાદ મે તથા મારા ભાઈ શૈલેષભાઈએ અમારા કારખાનામાં મજુરી કામ કરતા બંને મજુરોને આ રૂપિયાની થેલી બાબતે પુછતા તેમણે પણ રૂ. 1.50 લાખ ભરેલ થેલી બાબતે કાંઇ પણ નહિ જાણતા હોવાનું જણાવેલ હતુ.
જેથી કારખાનામાં આવેલ ઓફીસનો લોક તોડી રૂ. 1.50 લાખની ચોરીના બનાવમાં કારખાનેદારએ ધોરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. તસ્કર કોઈ જાણભેદુ જ હોવાની આશંકા સેવાઈ રહી છે.