Gandhinagar,તા.01
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂા.2નો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજયના સ્થાપના દિવસ એટલે 1લી મેના રોજથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાવ વધારો લાગુ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 11 મહિના બાદ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ વર્ષ 2025ના પ્રારંભે જાન્યુઆરી મહિનામાં અમૂલ દૂધ 1 લીટરના પેકિંગ પર રૂા.1નો ઘટાડો કરવામાં આવ્યો હતો.
અમૂલબ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરનાર ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.-અમૂલ દ્વારા દૂધની વિવિધ વેરાયટીના ભાવમાં પ્રતિ લિટર રૂા.2નો વધારો કરવામાં આવ્યો છે.
દૂધના ભાવ વધારાનો અમલ 1લી મેના 9 રોજથી અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, આણંદ, ખેડા, પંચમહાલ જિલ્લા સહિત ગુજરાતમાં લાગુ થશે. તેમજ દિલ્હી એનસીઆર સહિત સમગ્ર દેશમાં અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
દૂધની મહત્તમ વેચાણ કિંમતમાં ટકાવારીની દ્રષ્ટિએથી 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જે સરેરાશ ખાદ્ય ફુગાવા કરતા ઓછો હોવાનું અમૂલ-ફેડરેશનના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ 36 લાખ દૂધ ઉત્પાદકોના દૂધ ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
જેની સામે અમૂલ-ફેડરેશન સાથે જોડાયેલા ગુજરાતના દૂધ ઉત્પાદક સંઘોએ છેલ્લા એક વર્ષમાં દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ખરીદભાવમાં પણ આ જ પ્રમાણમાં વધારો કર્યો છે.
અમૂલ દૂધના ભાવમાં જૂન 2024 બાદ કોઇ વધારો કરવામાં આવ્યો નહોતો. તેમજ ગત વર્ષે અમૂલે લગભગ 5 મહિના માટે 1 લીટર અને 2 લીટરના પેક પર 50મીલી અને 100 મીલી વધારાનું દૂધ આપીને ગ્રાહકોને લાભ આપ્યો હતો, ત્યારબાદ તમામ બજારોમાં જાન્યુઆરી 2025થી 1 લીટર પેકના ભાવમાં રૂા.1નો ઘટાડો કરવામાં આવ્યો હતો.
અમૂલ સહકારી માળખા દ્વારા ગ્રાહકો પાસેથી દૂધ અને દૂધની બનાવટોના જે નાણાં મેળવવામાં આવે છે તેમાંથી 80 ટકા નાણાં દૂધ ઉત્પાદકોને પરત આપવામાં આવે છે.
આમ દૂધની વેચાણ કિંમતમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેનો મોટા ભાગનો હિસ્સો દૂધ ઉત્પાદકો પાસે પરત જશે અને તેમને દૂધ ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળશે.