Rajkot,તા.04
રાજકોટમાં એક વ્યક્તિને શેર બજારમાં રોકાણના નામે ફેક એપ ડાઉનલોડ કરાવી રૂા. 16.67 લાખની ઠગાઈ કરવાના કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે અમદાવાદથી પશ્ચિમ બંગાળના સોવાન સુનિલ દે (ઉ.વ. 42) અને સોમનાથ લક્ષ્મન મન્ના (ઉ.વ. 33)ને ઝડપી લીધા હતા. બંને આરોપીઓને એક દિવસના રિમાન્ડ પર લઈ તપાસના અંતે જેલ હવાલે કરી દેવાયા છે.
સાયબર ક્રાઈમની તપાસમાં એવુ બહાર આવ્યું છે કે બંને આરોપીઓએ વડોદરાના ઈફતખારનું બેન્ક એકાઉન્ટ ભાડે લીધું હતું. ઈફતખારે એસઆર ટ્રેડિંગ નામની બોગસ પેઢી ઉભી કરી આ એકાઉન્ટ ખોલાવ્યું હતું. બંને આરોપીઓએ તેને પશ્ચિમ બંગાળ બોલાવ્યા બાદ એક હોટલમાં રાખ્યો હતો. આ દરમિયાન તેના બેન્ક એકાઉન્ટનો સાયબર ફ્રોડની રકમ જમા કરાવવામાં ઉપયોગ કર્યો હતો. આ બેન્ક એકાઉન્ટમાં રૂા. 7.50 કરોડ જેવી માતબર રકમ જમા થઈ હતી. દેશભરમાં અંદાજે 45 જણાં સાથે થયેલા સાયબર ફ્રોડની આ રકમ છે. રાજકોટના જે વ્યક્તિ સાથે રૂા. 16.67 લાખની ઠગાઈ થઈ હતી તેમાંથી રૂા. 4 લાખ આ બેન્ક એકાઉન્ટમાં જમા થયા હતા. પશ્ચિમ બંગાળના બંને આરોપીઓ ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરતી ટોળકીને બેન્ક એકાઉન્ટ ભાડે લઈ આપતા હતા. જેમાં ફ્રોડની રકમ જમા થતી હતી. બદલામાં બંને આરોપીઓને એકાદ ટકા જેવું કમિશન મળતું હતું. બંને આરોપીઓની ઉપર એક આરોપી છે. જે પણ પશ્ચિમ બંગાળનો છે. હવે સાયબર ક્રાઈમ પોલીસે તેને ઝડપી લેવા તપાસનો દોર જારી રાખ્યો છે.