New Delhi,તા.30
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલ ખેડુત સંગઠન ભારતીય કિસાન સંઘે કપાસની આયાત પર કરમુકિત 31 ડીસેમ્બર સુધી વધારવા સામે વિરોધ નોંધાવ્યો છે. કિસાન સંગઠનનું કહેવુ છે કે, આ પગલાથી ઘરેલુ ખેડુતોને નુકશાન થશે અને લાંબા સમયમાં ભારતની નિર્ભરતા આયાત પર વધી જશે.
આરએસએસ સાથે સંકળાયેલા સંગઠન તરફથી આ બારામાં નાણામંત્રી નિર્મલા સીતારામનને પત્ર લખવામાં આવ્યો છે. કિસાન સંઘે પોતાના પત્રમાં લખ્યુ છે કે 320 લાખ બેલ્સ કપાસનું ઉત્પાદન વાર્ષિક ભારતમાં થાય છે.જયારે ઘરેલુ ઉત્પાદન 391 લાખ બેલ્સનું છે. કપાસના એક બેલ્સમાં 170 કિલો આવે છે.
ભારત તરફથી દર વર્ષે 60 થી 70 લાખ બેલ્સની જ આયાત થાય છે.
આનો અર્થ એ થયો કે કુલ કપાસનાં ઉપયોગનાં લગભગ 12 ટકા ભારતમાં બહારથી આવે છે.ભારતીય કિસાન સંઘે જણાવ્યું હતું કે જો આપણે ઈમ્પોર્ટ પર છુટ આપી રહ્યા તો પછી ભારત કપાસનાં નિકાસકાર દેશ બનવાના બદલે આગામી કેટલાંક દિવસોમાં મોટો આયાતકાર દેશ બની જશે.
કિસાન સંઘે જણાવ્યું હતું કે કપાસની કિંમતો પહેલાથી જ 7000 રૂપિયા પ્રતિ કિવન્ટલથી ઘટીને 6 હજાર રૂપિયા આવી ચુકી છે. જો ટેકસ ફ્રી ઈમ્પોર્ટ ચાલુ રહ્યું તો કિંમતોમાં વધુ ઘટાડો થઈ શકે છે. જો 2000 પ્રતિ કવીન્ટલમાં બહારથી કપાસ આવશે તો પછી ભારતીય ખેડુતો પાસેથી કોઈ 5000 કવીન્ટલ શા માટે ખરીદે?