Suratતા.7
સુરતના કામરેજ નજીક ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા વનવિભાગના આરએફઓ સોનલ સોલંકીના કેસમાં નવા ખુલાસા સાથે રહસ્યના તાણાવાણા સર્જાય રહ્યા છે. ગોળીબારમાં તેનો પતિ જ સામેલ હોવાની શંકા વ્યક્ત થવા લાગી છે. જો કે, તેમનો પતિ ફરાર છે.
આ કિસ્સાની વિગત મુજબ મહિલા આરએફઓ સોનલ સોલંકી કામરેજ નજીક ઝાડ સાથે કાર અથડાયેલી હાલતમાં ઘાયલ અવસ્થામાં મળી આવ્યા હતા. અકસ્માતનો બનાવ ગણવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમ્યાન સીટીસ્કેન કરાતા માથામાંથી 72 એમએમની ગોળી મળી આવી હતી તેના આધારે ફાયરીંગથી હત્યાનો પ્રયાસ થયાનુ બહાર આવ્યુ હતું.
ગોળીબારની આ ઘટના વિશે પોલીસે તપાસ હાથ ધરતા તેનો આરટીઓ ઈન્સ્પેકટર પતિ નિકુંજ ગોસ્વામી ફરાર હોવાનુ માલુમ પડયુ હતું. તેના આધારે સંડોવણીની શંકા વ્યકત થતી હતી. પતિ-પત્ની વચ્ચે લાંબા વખતથી અણબનાવ છે. તેના પતિ પાસે લાયસન્સવાળી રિવોલ્વર છે. યુવતીનો પતિ હાથમાં આવ્યા બાદ રહસ્ય પરથી પડદો ઉઠવાનું મનાય છે.

