New Delhi,તા.5
ઓપરેશન સિંદુર પરની ચર્ચા બાદ ફરી એક વખત આ સપ્તાહમાં સતત બીજા દિવસે પણ લોકસભા અને રાજયસભાની કામગીરી ઠપ્પ રહી હતી. રાજયસભામાં સભ્યોએ ગૃહમાં સીઆઈએસએફના જવાનોને તૈનાત કરવા મુદે ધમાલ મચાવી હતી.
વિપક્ષના નેતા મલ્લીકાર્જુન ખડગે અને ઉપસભાપતિ હરીવંશ વચ્ચે તીખી ચર્ચા થઈ હતી તે વચ્ચે ગૃહના નેતા અને કેન્દ્રીયમંત્રી જે.પી.નડ્ડાએ વિપક્ષ પર ગૃહ નહી ચાલવાનો આરોપ મુકયો હતો અને કહ્યું કે અમને 40 વર્ષ સુધી વિપક્ષમાં રહેવાનો અનુભવ છે.
તો તેઓ ઈચ્છે તો અમારી પાસેથી ટયુશન લઈ શકે છે. બીજી તરફ લોકસભામાં પણ બિહાર મતદાર યાદી મુદે ફરી એક વખત ધમાલ થઈ હતી અને પ્રારંભમાં પ્રશ્નકાળમાં પણ ભાગ્યે જ કામ થયું હતું અને બંને ગૃહો બપોર સુધી મુલત્વી રહ્યા હતા.
ટ્રમ્પ ટવીટ કરે તો મોદી મૌન થઈ જાય છે: કોંગ્રેસનો પ્રહાર
આજે ફરી એક વખત સંસદમાં વિપક્ષોની ધાંધલ ધમાલથી લોકસભા અને રાજયસભા બંનેની કાર્યવાહી ખોરવાઈ હતી. આ પહેલા કોંગ્રેસના સાંસદ મણીકમ્મ ટાગોરે ટવીટ કરીને કહ્યું કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટવીટ કરે છે.
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૌન ધારણ કરી લે છે અને 12મી વ્યક્તિને બેટીંગ કરવા મોકલી આપે છે. જેને બેટીંગનો અધિકાર જ હોતો નથી. તેમણે આ 12મી વ્યક્તિ તરીકે વિદેશ સચીવને ગણાવીને ઉમેર્યું કે વડાપ્રધાન શા માટે ટ્રમ્પની વિરુદ્ધ બોલતા ખચકાય છે.