પિતાએ છત પર દોડી જઈ બાળકને બચાવી લીધો : રાહદારીએ પણ બાળકને બચાવવા દોટ મૂકી
Rajkot,તા.27
આધુનિક યુગમાં બદલાતી સમાજ વ્યવસ્થા વચ્ચે નાની નાની બાબતોમાં ગૃહક્લેશ થતો હોય છે જેનો અનેકવાર કરુણ અંજામ પણ સામે આવતો હોય છે. ત્યારે આવો જ એક બનાવ રાજકોટ શહેરમાંથી સામે આવ્યો છે.
ગોકુલધામ આવાસ યોજનામાં ગઈકાલે સાંજે એક હચમચાવી નાખે એવી ઘટના બની હતી. જેમાં એક માતાએ પોતાના જ બાળકને આવાસ યોજનાની છત પરથી નીચે ફેંકી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બાળકના પિતા સમયસર પહોંચી ગયા હતા અને એક રાહદારીની સતર્કતાને કારણે બાળકનો જીવ બચી ગયો હતો. આ ઘટનાનો લાઇવ વીડિયો વાઇરલ થતાં માલવીયાનગર પોલીસે આ અંગે તપાસ હાથ ધરી મહિલા અને તેના પતિને પોલીસ મથકે લાવી તપાસ આદરી હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે સાંજે 7:30 વાગ્યાની આસપાસ ગોકુલધામ આવાસ યોજનામાં રહેતી એક હિન્દી ભાષી મહિલા પોતાના ચાર વર્ષના બાળકને લઈ આવાસ યોજનાની છત પર પહોંચી હતી. ત્યાં તેણે કોઈ અગમ્ય કારણોસર બાળકને છત પરથી નીચે લટકાવી દીધું હતું. આ દૃશ્ય જોઈને નીચે હાજર રાહદારીઓ અને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.
આ દૃશ્ય જોઈને નીચે હાજર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. જોકે મહિલાએ તેમની બૂમો સાંભળી નહોતી. સદનસીબે મહિલાના પતિ ત્યાં સમયસર પહોંચી ગયા હતા અને તેમણે તાત્કાલિક ઉપર જઈને બાળકને ખેંચી લીધું હતું. જેના કારણે બાળકનો જીવ બચી ગયો હતો. એક રાહદારીએ પણ આ ઘટના જોઈને તાત્કાલિક મદદ માટે દોટ મૂકી હતી. જોકે રાહદારી પહોંચે એ પહેલાં જ બાળકના પિતાએ તેને બચાવી લીધું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.
જે મામલે પોલીસને જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ જીજ્ઞેશ દેસાઈ અને ટીમ બનાવ સ્થળે દોડી ગયાં હતાં અને મહિલા તેમજ તેના પતિને પોલીસ મથકે લાવવામાં આવ્યાં હતાં. જેમાં મહિલાએ જણાવ્યું હતું કે, તેનું બાળક તોફાન કરતો હતો ત્યારે તેને માત્ર ડરાવી રહી હતી. જે મામલે તેના પતિએ ફરીયાદ નોંધાવવાની ના પાડતા બંનેના નિવેદન નોંધવામાં આવ્યાં હતા. તેમજ ઘટના બનવાના થોડા સમય પહેલાં જ મહિલાને તેના પાડોશી સાથે ઝઘડો થયો હોવાનું પણ સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, દંપતી મૂળ ઉત્તરપ્રદેશના વતની છે અને છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી અહીં રહેતાં હોવાની સામે આવ્યું છે.