New Delhi, તા.28
નાણાકીય મામલા માટે નવેમ્બર મહિનો ખાસ બની રહેવાનો છે. ખાસ કરીને બેન્કીંગ ક્ષેત્ર, આધારકાર્ડ, મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર, ઈ-કેવાયસીને લઈને ફેરફાર થશે.
બેન્ક લોકર-નોમિનીના નિયમો બદલશેઃ હવે ગ્રાહકોને બે વિકલ્પ મળશે. જેમાં ક્રમિક અને એક સાથે નોમિની સામેલ છે. લોકર માટે માત્ર ક્રમિક નામાંકન હશે. વધુમાં વધુ ચાર નોમિની ખાતા અને લોકર સાથે જોડી શકાશે.
શિક્ષણ સંબંધી પેમેન્ટ પર ચાર્જ વધશે
દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈ ક્રેડીટ કાર્ડ સાથે સંકળાયેલા નિયમોમાં ફેરફાર કરી રહી છે. હવે અસુરક્ષિત ઋણવાળા ક્રેડીટકાર્ડ પર 3.75 ટકા ચાર્જ આપવો પડશે. થર્ડ પાર્ટી એપથી શિક્ષણ સંબંધી પેમેન્ટ કરવા પર 1 ટકો દંડ લાગશે.
જો કે કોઈ વ્યક્તિ સ્કુલ, કોલેજ કે વિશ્વવિદ્યાલયની વેબસાઈટના સીધા પીએસઓ મશીનથી પેમેન્ટ કરે છે તો કોઈ પ્રકારનો ચાર્જ નહીં લેવામાં આવે. આ ઉપરાંત 1000 રૂપિયાથી વધુના વોલેટ લોડ ટ્રાન્જેકશન પર એક ટકો ચાર્જ પણ આપવો પડશે.
આધાર કેન્દ્રમાં ગયા વિના વિવરણ અપડેટ થશે
હવે નામ, સરનામુ, જન્મ તારીખ, મોબાઈલ નંબર જેવી જાણકારી આધાર કેન્દ્ર ગયા વિના જ અપડેટ કરી શકાશે. બાયોમેટ્રીક અપડેટ કરવા આધાર કેન્દ્ર જવું પડશે. હવે યુઝર્સનો ડેટા, પાનકાર્ડ, સ્કુલ રેકોર્ડ, મનરેગા વિવરણ વગેરેથી વેરિફાઈ કરી શકાશે.
મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ માટે નિયમ બદલ્યા
સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં પારદર્શિતા વધારવા સખ્ત ગાઈડલાઈન જાહેર કરી છે. નવા નિયમો અંતર્ગત જો કોઈ એએમસીના અધિકારી, કર્મચારી કે તેમના સંબંધી 15 લાખ રૂપિયાથી વધુની લેવડ-દેવડ કરે છે તો કંપનીએ આ જાણકારી પોતાના કોમ્પ્લાયન્સ ઓફિસરને આપવી પડશે.
સોશિયલ મીડીયા કંપનીને ક્નટેન્ટ હટાવવાના અધિકાર સીમીત કરાયા
ક્નટેન્ટનો આદેશ માત્ર ઉચ્ચ સ્તરના અધિકારી આપી શકે છે. પહેલા સોશિયલ મીડીયા કંપનીઓને કોર્ટ કે સરકારનો આદેશ મળતા જ અમાન્ય ક્નટેન્ટ હટાવવાનું થતું હતું જેના કારણે અનેક વાર નીચલા સ્તરના અધિકારી સ્પષ્ટ કારણ બતાવ્યા વિના પોસ્ટ હટાવવાનો આદેશ આપતા હતા.
મોટા લેવડ-દેવડ પર ઓટીપી વેરિફીકેશન જરૂરી
ડિજીટલ લેવડ-દેવડ માટે બેન્ક અને પેમેન્ટ ગેટવે સખ્ત સુરક્ષા નિયમ લાગુ કરી રહ્યા છે. હવે દરેક મોટી લેવડ દેવડ પર ઓટીપી અને બાયોમેટ્રીક વેરીફીકેશન જરૂરી છે. આ ફેરફાર ગ્રાહકોની સુરક્ષા વધારવા અને છેતરપીંડી રોકવા માટે કરાયો છે.
શેરબજારમાં ટી+1 સેટલમેન્ટ લાગુ થશે
હવેથી શેરબજારમાં ટી+1 સેટલમેન્ટ પુરો લાગુ થશે. આનો મતલબ એ છે કે શેર ખરીદવાના પછીના દિવસે જ પૈસા અને શેર ટ્રાન્સફર થઈ જશે. રોકાણકાર હવે ઝડપથી પોતાના પૈસા અને શેર મેળવી શકશે. જેથી માર્કેટમાં ભરોસો અને ટ્રેડીંગની ગતિ વધશે.
ઈ-કેવાયસી માટે સમય સીમા નકકી
સરકારે બધા બેન્ક ખાતાની ઈ-કેવાયસી પ્રક્રિયા માટે સમયસીમા નકકી કરી છે. જો ખાતાધારક સમયસર કેવાયસી નથી કરાવતા તો ખાતુ બંધ થઈ શકે છે. કાર્યોને ઓનલાઈન પુરું કરવું વધુ સરળ બનશે.

