Mumbaiતા.30
મુંબઈ શેરબજારમાં માનસ સાવચેતીનુ રહેવા સાથે આજે સતત બીજા દિવસે સેન્સેકસ-નિફટી ગ્રીનઝોનમાં હતા. જયારે કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો 65 પૈસા ગગડયો હતો.
શેરબજારમાં આજે શરૂઆત સાવચેતીના ટોને થઈ હતી. હેવીવેઈટ શેરોમાં ખરીદી આવતા તેજીનો વળાંક આવી ગયો હતો. રોકડાના શેરોમાં જો કે, દબાણ માલુમ પડયુ હતું. પરિણામે મીડકેપ ઈન્ડેકસ રેડઝોનમાં રહ્યો હતો.
જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે અમેરિકા સાથે ટ્રેડડીલની ડેડલાઈનને આડે માત્ર એક દિવસ બાકી છે. કોકડુ ઉકેલાયુ નથી. ટ્રમ્પે ટ્રેડડીલ ફાઈનલ થતા સુધી 25 ટકા ટેરિફ લાગુ કરવાની ધમકી આપી છે. આ મામલે કોઈ પરિણામ આવે છે કે કેમ તેના પર મીટ છે. ટ્રમ્પ હવે મુદત ન વધારે તો માર્કેટમાં તીવ્ર અસર થઈ શકે છે.
શેરબજારમાં આજે એવન્યુ સુપર માર્કેટ, લાર્સન, એચડીએફસી બેંક, વરૂણ બ્રુવરીઝ, બોસ, પીરામલ એન્ટરપ્રાઈઝ જેવા શેરો ઉંચકાયા હતા. જયારે લોરસ લેબ, મધરસન સુમી, ટાટા મોટર્સ, ડેલ્ટીવરી, વોડાફોન, પીએનબી, યસ બેંક, ટોરંટ ફાર્મા જેવા શેરોમાં ગાબડા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સેકસ 192 પોઈન્ટના ઉછાળાથી 81530 હતો તે ઉંચામાં 81618 તથા નીચામાં 81187 હતો. નિફટી 45 પોઈન્ટના સુધારાથી 24866 હતો તે ઉંચામાં 24902 તથા નીચામાં 24771 હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો 65 પૈસાના કડાકાથી 87.47 સાંપડયો હતો .