Rajkot. તા.08
મકરસંક્રાતી પર્વ પૂર્વે પ્રતિબંધીત ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પુરજોશમાં થવા લાગ્યું છે. ત્યારે આ જીવલેણ દોરીના વેચાણને અટકાવવા માટે જિલ્લા પોલીસ એકશનમાં આવી ગઇ હોય તેમ કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન રૂરલ પોલીસે પાંચ સ્થળોએથી ચાઇનીઝ દોરી-તુક્કલ અને રીલ સાથે પાંચ ધંધાર્થીઓને ઝડપી લીધા હતાં.
જેમાં ગોંડલ બી ડિવિઝન, ગોંડલ સિટી પોલીસ, શાપર વેરાવળ અને ભાડલા પોલીસ મથકના સ્ટાફે ચેકિંગ દરમિયાન ચાઇનીઝ દોરીની 91 ફિરકી અને 40 નંગ તુક્કલ સાથે પાંચ શખસોને ઝડપી લઇ તેની સામે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં ચાઈનીઝ દોરી- તુક્કલ સહિતના વેચાણને અટકાવવા માટે અને જીવલેણ ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની આપેલ સૂચનાથી પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ અંગે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં અલગ અલગ પાંચ સ્થળોએ ચાઈનીઝ દોરીના કેસ કરી 91 ફિરકી અને 40 તુક્કલ કબજે કરી ચાર શખસો સામે જાહેરનામા ભંગ અંગેના ગુના નોંધ્યા હતાં.
જેમાં ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે કોલેજ ચોક પાસે વૈભવ શોરૂમ સામે ફૂટપાથ પર ચાઈનીઝ દોરીની 5 ફિરકી કિંમત રૂપિયા 1,250 સાથે ભાર્ગવ ઉર્ફે ભોલું દિનેશભાઈ બાબરીયા (ઉ.વ.22 રહે. ગોંડલ ભગવતપરા ચબૂતરાવાળી શેરી) વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બી ડિવિઝન અને અન્ય એક કામગીરીમાં ગોંડલ આવાસ કવાર્ટર પાસે જાહેર રોડ પર ચાઈનીઝ દોરીની 73 ફીરકીઓ અને 40 તુક્કલ સહિત કુલ રૂપિયા 20,250 ના મુદ્દામાલ સાથે હનીફ ઓસમાણભાઈ નાલબંધ (ઉ.વ. 65 રહે. ભગવતપરા શેરી નંબર 23, ગોંડલ) ને ઝડપી લીધો હતો અને તેની સામે ગુનો નોધ્યો હતો. ગોંડલ સિટી પોલીસે દેવપરા મેઇન રોડ પરથી પ્રકાશ ધનજીભાઇ સરમાળીયા(ઉ.વ.22) ને ચાઇનીઝ દોરીની પાંચ ફિરકી સાથે ઝડપી લીધો હતો.
તેમજ ભાડલા પોલીસ મથકના સ્ટાફે કમળાપુર ગામ મદાવા રોડ રામાપીર મંદિર પાછળથી અભિષેક ભરતભાઈ ઉગરેજીયા (ઉ.વ. 19 રહે. કમળાપુર) ને ચાઈનીઝ દોરીની પાંચ ફીરકી સાથે ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
શાપર વેરાવળ પોલીસ મથકના સ્ટાફે અશરફ ઉર્ફે જીગો ઓસમાણભાઈ રાઉમા (ઉ.વ. 37 રહે. સર્વોદય સોસાયટી શેરી નંબર 5 શાપર) ને ચાઈનીઝ દોરીને ત્રણ રીલ સાથે ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.

