રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું, “આ હુમલો નાગરિકોને નિશાન બનાવવા માટે એક ઇરાદાપૂર્વકની રણનીતિ છે
Ukraine, તા.૨૫
શુક્રવાર અને શનિવારે રાત્રે રશિયાએ યુક્રેનના ૩૦ થી વધુ શહેરોપર હુમલો કર્યો છે. આ હુમલામાં ૧૨ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા ઘાયલ થયા. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એક કડક નિવેદન જારી કરીને આ હુમલાની નિંદા કરી અને આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી. ઝેલેન્સકીએ પોસ્ટ કરી કહ્યું, “અમારી આપાતકાલીન ટીમો જમીન પર કામ કરી રહી છે, જ્યાં જરૂર હોય ત્યાં લોકોને રાહત પૂરી પાડે છે. હું તેમના સમર્પણ બદલ તેમનો આભાર માનું છું,” .
ઝેલેન્સકીએ આગળ લખ્યું કે રશિયન હુમલાની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રશિયાએ એક જ રાતમાં લગભગ ૩૦૦ હમલાવર ડ્રોનથી હુમલો કર્યો. આમાંના મોટાભાગના ઈરાની બનાવટના ડ્રોન હતા, જેને યુક્રેનિયન ક્ષેત્રમાં મોકલવામાં આવ્યા હતા. આ સાથે રશિયાએ લગભગ ૭૦ બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઇલોથી વિવિધ શહેરો પર હુમલો કર્યો.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના જણાવ્યા મુજબ, રશિયન હુમલાના મુખ્ય લક્ષ્યો રાજધાની કીવ સહિત ઝાયટોમીર, ખેમેલનિત્સકી, ટેરનોપિલ, ચેર્નિહિવ, સુમી, ઓડેસા, પોલ્ટાવા, નીપર, માયકોલાઈવ, ખાર્કીવ અને ચર્કાસી પ્રદેશો હતા. મોટાભાગના હુમલાઓ સીધા નાગરિક વિસ્તારો સામે થયા હતા. કિવમાં યુનિવર્સિટીના છાત્રાવાસને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો હતો. ઘણા ઔદ્યોગિક એકમો અને રહેણાંક ઇમારતોને પણ ભારે નુકસાન થયું હતું.
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું, “આ હુમલો નાગરિકોને નિશાન બનાવવા માટે એક ઇરાદાપૂર્વકની રણનીતિ છે.
બાળકો સહિત ઘણા નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા. આ આતંકવાદ છે. મારી ઊંડી સંવેદના છે.” ઝેલેન્સકીએ આ હુમલાને રશિયા સામે નવા અને કડક પ્રતિબંધો માટે પૂરતો આધાર ગણાવ્યો. અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોના મૌન પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું, “દુનિયા ભલે સપ્તાહાંતની ઉજવણી કરી રહી હોય, પરંતુ યુક્રેનમાં યુદ્ધ ચાલુ છે. અમેરિકા અને અન્ય દેશોનું મૌન પુતિનને વધુ આક્રમક બનાવી રહ્યું છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં સુધી રશિયન નેતૃત્વ પર વાસ્તવિક અને મજબૂત દબાણ નહીં આવે ત્યાં સુધી આ ક્રૂરતા બંધ નહીં થાય.
ઝેલેન્સકીએ કહ્યું, “સંયુક્ત રાજ્ય અમેરિકા અને યુરોપ સહિત શાંતિ ઇચ્છતા તમામ દેશોએ હવે પોતાનો સંકલ્પ મજબૂત બનાવવો જોઈએ. રશિયાની આર્થિક નબળાઈઓ બધા જાણે છે – તેમને નિશાન બનાવીને જ યુદ્ધ અટકાવી શકાય છે.” અંતમાં ઝેલેન્સકીએ વિશ્વને ચેતવણી આપી કે હવે રશિયા પર એવું દબાણ લાવવાનો સમય આવી ગયો છે કે પુતિન મિસાઇલો છોડવાને બદલે યુદ્ધનો અંત લાવવા વિશે વિચારવા મજબૂર થાય. યુક્રેનમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે અને આ હુમલો એ વાતનો સંકેત છે કે યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થવાની શક્યતા હાલમાં દેખાતી નથી.