New Delhi તા.19
ભારતીય શખ્સ સાથે લગ્ન બાદ જન્મેલા બાળક સાથે રશીયા કરાર થઈ જનાર રશીયન મહિલા વિકટોરીયા બસુને લઈને મોટો ખુલાસો થયો છે.દિલ્હી પોલીસે સુપ્રિમ કોર્ટને જણાવ્યું હતું કે રશીયન (કાઉન્સીલર વિભાગના પ્રમુખ) આર્થર ગર્બસ્ટે વિકટોરીયા બસુને ભગાવામાં મદદ કરી છે.
ઉલ્લેખનીય છે કે, વિકટોરીયા ભારતીય શખ્સ સાથે લગ્ન કરીને જન્મેલા તેના પુત્રને લઈને ગેરકાયદે ભાગી ગઈ છે. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે આર્થર ગર્બસ્ટે એક ટેકસીની વ્યવસ્થા કરી હતી. જે વિકટોરીયાને નરકટીયાગંજ લઈ ગઈ હતી. ત્યાંથી તે નેપાળના કાઠમંડુ પહોંચી હતી.
આ મામલે દિલ્હી પોલીસે સુપ્રિમ કોર્ટમાં જણાવ્યું હતું કે કાઠમંડૂમાં રહેતી એક અન્ય રશીયન મહિલાએ જુલાઈના પહેલા સપ્તાહમાં કાઠમંડુમાં વિકટોરીયાનાં પ્રવેશની વ્યવસ્થા કરી હતી. અહીંથી વિકટોરીયાએ શાહરજાહ (યુએઈ) ની ઉડાન ભરી હતી અને ત્યાંથી તે મોસ્કો (રશીયા) પહોંચી હતી.
જસ્ટીસ સુર્યકાંતની અધ્યક્ષતાવાળી સુપ્રિમ કોર્ટની બેન્ચે રશીયન મહિલા વિકટોરીયાનાં સુપ્રિમ કોર્ટનાં આદેશનો ભંગ બતાવી ગેરકાયદે બાળકને દેશની બહાર લઈ જવા પર કડક વાંધો ઉઠાવ્યો હતો.
સુપ્રિમ કોર્ટનાં કહેવા પર ભારતીય દુતાવાસે વિકટોરીયાને દિલ્હી પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે રશિયન મહિલા સામે ઈન્ટરપોલ નોટીસ પર કાર્યવાહી શરૂ કરી દીધી છે. દિલ્હી પોલીસે કહ્યું હતું કે રશીયન દુતાવાસનાં કાઉન્સીલર ગર્બસ્ટે વિકટોરીયાને ભગાડવા ટેકસીનાં ભાડા માટે 75 હજાર રૂપિયા રોકડાની વ્યવસ્થા કરી હતી.
બિહારનાં નરકટીયા ગંજમાં સમીર અંસારી ઉર્ફે મુન્ના નામનાં વ્યકિતએ ભારત-નેપાળ સીમા પાર કરાવવામાં મદદ કરી હતી.પોલીસે જણાવ્યું હતું કે એર અરેબીયાને પણ નોટીસ ઈસ્યુ કરાઈ છે.જેમાં સુપ્રિમ કોર્ટના આદેશોનાં ભંગ, સગીર બાળકના ભારતથી ગેરકાયદે લઈ જવામાં મદદ સહિતના મામલે વિવરણ માંગ્યુ છે.