તેમણે મહિલાઓના અશ્લીલ વીડિયો બનાવવા પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે આવા વીડિયો જોઈને મને શરમ આવે છે
New Delhi, તા.૨
સાધ્વી ઋતંભરાએ તાજેતરમાં મહિલાઓ વિશે એવું નિવેદન આપ્યું હતું જેના કારણે તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. તેમણે મહિલાઓના અશ્લીલ વીડિયો બનાવવા પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે આવા વીડિયો જોઈને મને શરમ આવે છે. જોકે, હવે તેમણે આ ટિપ્પણી માટે માફી માગી છે. તેમણે કહ્યું કે, જો મારા શબ્દોથી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માગુ છું. પરંતુ તેમ છતાં મને લાગે છે કે મને આ કહેવાનો અધિકાર છે કારણ કે હું મારા પ્રિયજનોથી ઘેરાયેલી હતી. હું એક માણસ છું અને મારાથી ભૂલ થઈ ગઈ છે.
સાધ્વી ઋતંભરાએ આ વિવાદાસ્પદ ટિપ્પણી ત્રણ મહિના પહેલા એક સભામાં કરી હતી. હવે તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, હિન્દુ મહિલાઓ, હે ભગવાન! મને તેમને જોઈને શરમ આવે છે. શું તુ પૈસા કમાઈશ? શું તુ ન્યૂડ થઈને પૈસા કમાઈશ? ગંદા ડાન્સ કરીને, ગંદા ગીતો ગાઈને? મને એ નથી સમજાતું કે, તેમના પતિ, તેમના પિતા તેમને કેવી રીતે સ્વીકાર કરે છે? તેમણે આગળ કહ્યું હતું કે, લોકોએ પોતાનું જીવન શિષ્ટાચારથી જીવવું જોઈએ. ભારતની મહિલાઓ, મારા આ નિવેદન પર ખોટું ન લગાડશો.
એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સાધ્વી ઋતંભરાએ કહ્યું કે, મારું માનવું છે કે, પરિવાર અને રાષ્ટ્રમાં મહિલાઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે અને હું મહિલાઓને ટાર્ગેટ નહોતી કરી રહી, પરંતુ તેમની શક્તિમાં આશા જગાડી રહી હતી. પરંતુ અનિયંત્રિત રહેવું એ સ્વતંત્રતા ન કહી શકાય. અનુશાસનહીન રહેવું એ શિસ્તબદ્ધ હોવું નથી. આ મારો સ્વભાવ છે. જ્યારે મારું દુઃખ એક હદ સુધી પહોંચી જાય છે, ત્યારે હું તેને મારા પ્રિયજનો સાથે શેર કરું છું. આ એક જૂનો વીડિયો છે, જે હવે વાઈરલ થઈ ગયો છે. હું એ કહેવા માગતી હતી કે, કોઈ પણ રાષ્ટ્ર પોતાના નાગરિકોના વર્તનથી મહાન બને છે.
બીજી તરફ જ્યારે સાધ્વી ઋતંભરાને પૂછવામાં આવ્યું કે પુરુષો માટે આવું કેમ કહેવામાં ન આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે, જો મારી ભાવનાત્મક ટિપ્પણીઓથી મહિલાઓને ઠેસ પહોંચી હોય તો હું ચોક્કસ માફી માગીશ. પરંતુ જ્યારે તમે તમારા પોતાના લોકો વચ્ચે હોય, ત્યારે તમે એવું વિચારીને બોલો છો કે તમારો તેમના પર અધિકાર છે. હું ભાંગી પડેલા લોકોને પ્રેમ કરું છું, પરંતુ જ્યારે તમે આવું અનિયંત્રિત વર્તન જુઓ છો, ત્યારે તમને દુઃખ થાય છે. હું પણ એક માણસ છું, મારે આવું નહોતું કહેવું જોઈતુ હતું. શાસ્ત્રીય નૃત્ય ખૂબ સારું છે, પરંતુ જે રીલમાં દેખાડવામાં આવે છે તે સારું નથી લાગતું.