Rajkot,તા.27
રાજકોટ તાલુકાના ગામ ગવરીદડની ખેતીની સંયુક્ત જમીન સંબંધે થયેલ વેંચાણ દસ્તાવેજ રદબાતલ ઠરાવી અદાલતે વાદીનો દાવો મંજૂર કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટ તાલુકાના ગામ ગવરીદડના રેવન્યુ સર્વે નં. ૩૯૧ પૈકી નારણકાના મારગનું તરીકે ઓળખાતી ખેતીની જમીન એકર ૪-૧૨ ગુંઠા મિલકત વાદી માલતીબેન કાળુભાઈ પરમાર ડો/ઓ સ્વ. શામજીભાઈ ભાણાભાઈ ચાવડા અને પ્રતિવાદીઓ દિલીપભાઈ ટપુભાઈ ચાવડા અને અશોકભાઈ ટપુભાઈ ચાવડાના વિગેરેના સંયુક્ત નામે આવેલ હોવાની જાણ ટપુભાઈ ભાણાભાઈ ચાવડાને હોવા છતા તેમણે વાદી માલતીબેન વગેરેની સહિ કે સંમતી લીધા વગર વાદીની જાણ બહાર તેમની તરફેણમાં વેંચાણ દસ્તાવેજ બનાવી લીધેલ હોવાની જાણ થતા માલતીબેને મિલ્કતમાંથી હિસ્સો મળવા તથા વેંચાણ દસ્તાવેજ રદ કરવા તથા સદરહુ મિલ્કત પ્રતિવાદીઓ કોઈને વેંચાણ, ટ્રાન્સફર કરે/કરાવે નહિ તેવો કાયમી મનાઈ હુકમ માંગણી કરી દાવો દાખલ કરેલો હતો. આ કામના પ્રતિવાદીઓ દિલીપભાઈ ટપુભાઈ ચાવડા તથા અશોકભાઈ ટપુભાઈ ચાવડા વિગેરેએ કોર્ટમાં જવાબ તથા વાંધાઓ રજુ કરેલા, ત્યારબાદ રાજકોટના અધિક સિનિયર સિવિલ જજે ઈસ્યુ ફ્રેમ કરી બંને પક્ષકારોના વકીલોનો પુરાવો સાંભળી એવો હુકમ ફરમાવેલ છે કે, વાદીનો હાલનો દાવો ખર્ચ સહીત મંજુર કરતા એવું વિજ્ઞાપન કરી આપવામાં આવે છે કે દાવાવાળી મિલ્કતનો થયેલ વેંચાણ દસ્તાવેજ નલ એન્ડ વોઈડ છે, વાદીને બંધનકર્તા નથી. તથા દાવાવાળી મિલ્કતમાં વાદીનો ૧/૩ હિસ્સાનો કબ્જો વાદીને સોંપી આપવો તથા દાવાવાળી મિલ્કત પ્રતિવાદીઓ અન્ય કોઈને ટ્રાન્સફર, એસાઈન, વેચાણ, ગીરો કે અન્ય કોઈપણ રીતે તબદીલ કરે/કરાવે નહીં તેવો કાયમી મનાઈ હુકમ પ્રતિવાદીઓ વિરુધ્ધ અને વાદીની તરફેણમાં ફરમાવવામાં આવ્યો છે. આ કામમાં વાદી વતી ધારાશાસ્ત્રી કેતન વિ. જેઠવા, શૈલેન્દ્રસિંહ જાડેજા, સંદિપ જોષી, ધારા પંડિત, કૃપા બદીયાણી, ધર્મેશ ગોહિલ રોકાયા હતા.