Rajkot,તા.01
રાજકોટમાં હ્યુન્ડાઈ કંપનીના સ્પેરપાર્ટસ વેચતી કંપનીમાં સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરતા દિપક ગોવીંદભાઈ વાળા (રહે, માણાવદર)એ સ્પેરપાર્ટસ વેંચાણનાં રૂ. 19.51 લાખ કંપનીમાં જમા નહી કરાવી ઓળવી લીધાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
અમદાવાદનાં થલતેજ વિસ્તારમાં રહેતા વિવેકભાઈ ભંડારીએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, તે હ્યુન્ડાઈના સ્પેરપાર્ટ વેચતી કોન્સપ્ટ મોબીશ કંપનીમાં વાઈસ પ્રેસીડન્ટ તરીકે નોકરી કરે છે. તેની કંપનીનું રાજકોટનાં આજી જીઆઈડીસીમાં વેરહાઉસ છે. જયારે ગોંડલ રોડ પર આહ્યા કોમ્પ્લેકક્ષમાં રીટેલ આઉટલેટ છે. જેમાં આરોપી સેલ્સ એક્ઝ્ીક્યુટીવ તરીકે નોકરી કરે છે. આરોપી સ્પેરપાર્ટસ વેંચાણ પેટે જે રકમ આવે તે કંપનીમાં જમા કરાવતો હતો. ગત જાન્યુઆરી માસમાં અમદાવાદ ખાતેથી તપાસ કરાતા આરોપીએ રૂ. 11.30 લાખના સ્પેરપાર્ટસ વેંચી તે રકમ કંપનીમાં જમા નહી કરાવ્યાનું જાણવા મળ્યું હતું. જેથી વેરહાઉસ સંભાળતા ચેતનભાઈ વ્યાસે આરોપી સાથે વાતચીત કરતા તેણે થોડા દિવસોમાં પૈસા જમા કરાવી દઈશ. તેમ કહ્યું હતું. વધુ તપાસ કરતા 61 પાર્ટીએ ખરીદેલા સ્પેરપાર્સટની રકમ આરોપીને રોકડથી કે ઓનલાઈન ચુકવી દીધાની માહીતી મળી હતી. ઓડીટ ટીમે તપાસ કરતા વધુ રૂ. 4.50 લાખનાં સ્પેરપાર્ટસનો હિસાબ મળ્યો ન હતો. આ રીતે આરોપીએ કુલ રૂ. 19.51 લાખનાં સ્પેરપાર્ટસ વેંચી તે રકમ કંપનીમાં જમા કરાવી ન હતી. જે અંગે અગાઉ પોલીસમાં અરજી કરી હતી. આમ છતાં આરોપીએ રકમ કંપનીમાં જમા નહીં કરાવતા આખરે તેના વિરૂધ્ધ ભક્તિનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.