Surendaranagar.તા.05
ધ્રાંગધ્રા પંથકમાં કમોસમી વરસાદે વ્યાપક તારાજી સર્જી છે. આ માવઠાને કારણે ખેડૂતોની સાથે કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારોને પણ મોટું નુકસાન થયું છે. રાજ્યભરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી છે. ત્યારે અગરિયા શ્રમિકોની મહેનત પર પણ પાણી ફરી વળ્યું છે.
ધ્રાંગધ્રાના રણકાંઠા વિસ્તારમાં વસતા આશરે 1200થી વધુ અગરિયા પરિવારો મીઠું પકવવાનો વ્યવસાય કરે છે. દિવાળી બાદ તેમની મીઠા ઉત્પાદનની સીઝન શરૂ થાય છે. આ પરિવારોએ રણમાં પ્રવેશ કરીને મીઠું પકવવા માટેના પાટા તૈયાર કર્યા હતા.
કમોસમી વરસાદના આગમનથી તેમના તૈયાર પાટા ધોવાઈ ગયા હતા. સતત પાંચ દિવસ સુધી પડેલા વરસાદને કારણે રણકાંઠાનો આખો વિસ્તાર દરિયામાં ફેરવાઈ ગયો હતો. જેના કારણે અગરિયા પરિવારોને રણકાંઠાના ગામડાઓમાં પરત ફરવું પડ્યું હતું
મીઠાના તૈયાર પાટા પર વરસાદી પાણી ફરી વળતા અગરિયાઓને ભારે નુકસાન થયું હોવાનો અંદાજ છે. આથી, કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારોએ સરકાર સમક્ષ ખેડૂતોની જેમ જ નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી છે.

