પ્રિયા સચદેવ કપૂરના વકીલે કહ્યું, વસિયતનામાને સીલબંધ કવરમાં રજૂ કરવા મંજૂરી આપવામાં આવે
New Delhi, તા.૨૫
સંજય કપૂરની મિલકત અંગેનો વિવાદ હાલમાં દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. કરિશ્મા કપૂરના બાળકો, સમાયરા અને કિયાન, તેમજ સંજયની માતા અને તેની બહેને પ્રિયા સચદેવ વિરુદ્ધ સંજયના વસિયતનામામાં છેતરપિંડી અને છુપાવવાના આરોપનો મામલે કેસ દાખલ કર્યો હતો. આ મામલે કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી, જે દરમિયાન પ્રિયાએ સંજય કપૂરની સંપત્તિની યાદી સીલબંધ કવરમાં રજૂ કરવાની મંજૂરી માંગી હતી.
સુનાવણી દરમિયાન પ્રિયા સચદેવ કપૂરના વકીલે કહ્યું, મારી બસ એટલી જ વિનંતી છે કે, વસિયતનામાને સીલબંધ કવરમાં રજૂ કરવાની મંજૂરી આપવામાં આવે, જેથી આ માહિતી જનતા અને મીડિયા સુધી ન પહોંચે. જોકે, કોર્ટે તેમની દલીલને ફગાવતા કહ્યું કે, જ્યારે તમે કોઈપણ મુકદ્દમામાં લેખિત જવાબ દાખલ કરો છો, ત્યારે બીજા પક્ષને પ્રતિદાવો દાખલ કરવા માટે આ માહિતીની જરૂર પડે. તેથી ત્યારે સીલબંધ કવરમાં કેટલી માહિતી રહેશે?
જેના જવાબમાં સચદેવના વકીલે કહ્યું કે, તેમાં ઘણી બધી માહિતી છે, જે જાહેર ન થવી જોઈએ. હું તેને બધા સાથે શેર કરવા તૈયાર છું, માત્ર તેને ગુપ્ત રાખો. જોકે કોર્ટે તેના પર સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. વકીલે ફરી કહ્યું કે, હું માત્ર બે પાના સીલબંધ કવરમાં રાખવાની માંગણી કરુ છું. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે, આ મુશ્કેલ છે, કારણ કે જેમને લાભ મળશે તેમને સંપત્તિ પર પ્રશ્ન ઉઠાવવાનો અધિકાર છે, જેમ કે આ કોઈ પણ મામલે થાય છે.
જો તેમને તપાસ કરવી હોય અને ગોપનીયતા કરાર દ્વારા બંધાયેલા હોય તો તેઓ પોતાનું રક્ષણ કેવી રીતે કરશે? શું તમે જસ્ટીસ હરિ શંકરની ગોપનીયતા ક્લબ સાથે જોડાયેલા નિર્ણય વાંચ્યા છે? કોર્ટના સવાલો પર પ્રિયા સચદેવના વકીલે કહ્યું કે, અમે કાલે કોઈ સૂચન લઈને આવીશું કહીને દલીલો પૂર્ણ કરી.