New Delhi,તા.29
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલમાં પાંચ મેચની T-20 સીરિઝ રમાઈ રહી છે. આ દરમિયાન રાજકોટમાં રમાયેલી સીરિઝની ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 26 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની T20 સીરિઝનો ત્રીજો મુકાબલો મંગળવારે રાજકોટમાં રમાયો હતો. જેમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડ ટીમે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ 9 વિકેટ પર 146 રન જ બનાવી શકી અને મેચ ગુમાવી દીધી હતી.
ઈંગ્લેન્ડની ટીમે 28 જાન્યુઆરીના રોજ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પહેલા બેટિંગ કરતા 171/9નો સ્કોર બનાવ્યો હતો. આ દરમિયાન વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ ઝડપી હતી. તેના જવાબમાં રન ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમ 20 ઓવરમાં માત્ર 145 રન જ બનાવી શકી હતી.
સંજુ ટીમ ઈન્ડિયા માટે બન્યો માથાનો દુઃખાવો
આ મેચમાં ભારતનો વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસન ટીમ માટે માથાનો દુ:ખાવો બન્યો હતો. આ મેચમાં સંજુ સેમસન જે રીતે આઉટ થયો હતો તેના પર હવે સવાલ ઉઠી રહ્યા છે. સંજુ સેમસન શોર્ટ ઓફ લેન્થ (બાઉન્સર) બોલ સામે અસ્વસ્થતા અનુભવતો હતો તે સ્પષ્ટ દેખાતું હતું.
સંજુ સેમસન જેને પહેલી બે મેચ (કોલકાતા અને ચેન્નાઈ) માં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે શોર્ટ બોલ પર આઉટ કર્યો હતો, તેની આ કમજોરી રાજકોટમાં પણ દેખાઈ આવી હતી. જોફ્રાએ ફરી એક વખત તેને લેન્થનો શોર્ટ ઓફ લેન્થ બોલ ફેંક્યો અને સંજુ સેમસન ફરીથી એ જ જૂની પેટર્નમાં આઉટ થઈ ગયો. આ મેચમાં સંજુએ 6 બોલમાં માત્ર 3 જ રન બનાવ્યા હતા. આ પહેલા સંજુએ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં 26 રન અને ચેન્નાઈમાં 5 રન બનાવ્યા હતા.
સંજુએ શોર્ટ બોલ પર પ્રેક્ટિસ પણ કરી
સંજુ સેમસને રાજકોટ પહોંચીને નવા બેટિંગ કોચ સિતાંશુ કોટક અને થ્રોડાઉન નિષ્ણાત સાથે પ્રેક્ટિસ પણ કરી હતી. પરંતુ મેચ દરમિયાન તે ફરી એકવાર આર્ચરનો શિકાર બન્યો. સેમસન 2024ના અંતમાં દક્ષિણ આફ્રિકામાં એક ડ્રીમ સીરિઝ રમ્યો હતો, જ્યાં તેણે ચાર T20 મેચોમાં બે સદી ફટકારી હતી. તેણે ગત વર્ષે બાંગ્લાદેશ સામેની ઘરઆંગણે રમાયેલી T20 મેચમાં પણ સદી ફટકારી હતી. સંજુને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો, જે એક ODI ફોર્મેટ છે.