New Delhi,તા.25
ભારતીય પસંદગીકારોએ એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની પસંદગી કરી છે. જેમાં વિકેટકીપર અને બેટર સંજુ સેમસન પણ ટીમનો ભાગ છે. જોકે, શુભમન ગિલની એન્ટ્રી બાદ સેમસનનું સ્થાન જોખમમાં છે. આવી સ્થિતિમાં હવે તેમણે આ બધી ચર્ચાઓ જવાબ બેટથી આપ્યો છે. એશિયા કપ 2025 પહેલા સંજુ સેમસને કેરળ પ્રીમિયર લીગ 2025માં શાનદાર સદી ફટકારી. તેણે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં એરીઝ કોલ્લમ સેલર્સ સામે કોચી બ્લુ ટાઇગર્સ માટે 51 બોલમાં 121 રન બનાવ્યા, જેમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે.
કેરળ ક્રિકેટ લીગ 2025માં સંજુ સેમસન કોચી બ્લુ ટાઈગર્સ માટે બેટિંગ શરૂ કરવા માટે ઉતર્યો. ટીમ 237 રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી. આ દરમિયાન સંજુ સેમસને પહેલા 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. ત્યારબાદ તેણે ફક્ત 42 બોલમાં સદી ફટકારી દીધી હતી. આ ઇનિંગમાં સંજુ સેમસને 51 બોલમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 121 રન બનાવ્યા હતા અને તેની આ ઈનિંગને કારણે જ ટીમને જીત મળી હતી.
વિકેટકીપર સંજુ સેમસન છેલ્લા કેટલાક સમયથી ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ઓપનિંગ બેટરની ભૂમિકા ભજવી રહ્યો છે. શુભમન ગિલના આગમનને કારણે તેનું સ્થાન જોખમમાં છે. ઓપનિંગ બેટર તરીકે અભિષેક શર્માનું સ્થાન નિશ્ચિત છે, તેથી તેના સાથીની શોધ ચાલુ છે. સંજુની આ સદીને કારણે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. હવે ગિલને તિલક વર્માની જગ્યાએ નંબર 3 પર તક આપી શકાય છે.
ભારતીય બેટર સંજુ સેમસન અત્યાર સુધીમાં ભારત માટે ઓપનર તરીકે 17 ટી20 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે ત્રણ સદી અને એક અડધી સદીની મદદથી 522 રન બનાવ્યા છે. વર્ષ 2024માં તેણે એક જ કેલેન્ડર વર્ષમાં ત્રણ ટી20I સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બનીને ઈતિહાસ રચ્યો હતો.સંજુ સેમસનની આઈપીએલ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સે પણ આ ઈનિંગની ઉજવણી કરવા માટે ‘X’ પર ત્રણ પોસ્ટ કરી હતી. નોંધનીય છે કે, સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ માટે કુલ 149 આઈપીએલ મેચ રમી છે અને 2 સદી અને 23 અડધી સદીની મદદથી 4027 રન બનાવ્યા છે.