Mumbai,તા.27
કિડની ફેલ થવાના કારણે 25 ઓક્ટોબરે મુંબઈમાં 74 વર્ષની વયે અવસાન પામેલા દિગ્ગજ અભિનેતા સતીશ શાહને, ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ના કલાકારોએ ભાવુક વિદાય આપી. જેમાં રૂપાલી ગાંગુલી, સુમીત રાઘવન, રાજેશ કુમાર, જે.ડી. મજેઠિયા, દેવેન ભોજાણી સહિતના કલાકારોએ સતીશ શાહના પાર્થિવ દેહ સામે ઊભા રહ્યા અને શોનું ટાઈટલ ટ્રેક ગાઈને તેમણે પોતાના પ્રિય સહ-કલાકારને અંતિમ અલવિદા કહ્યું.
જ્યારે તેમણે ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ શોનું ટાઈટલ ટ્રેક ગાયું, ત્યારે રૂપાલી ગાંગુલી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તે બેસૂધ થઈને રડતા જોવા મળી અને જે.ડી. મજેઠિયા તેને દિલાસો આપતા જોવા મળ્યા. રાજેશ કુમાર અને સુમીત પણ સતીશ શાહના પાર્થિવ દેહ સામે પ્રાર્થના કરતી વખતે રડી પડ્યા હતા. દેવેને ઇન્સ્ટા પર આ ભાવનાત્મક વીડિયો શેર કરીને લખ્યું કે, ‘કદાચ આ પાગલપન, ડાર્ક અથવા વિચિત્ર લાગી શકે છે. પણ જ્યારે પણ અમે મળતા હતા, ત્યારે આ ગીત ગાતા હતા. આજે પણ અમે આ નિયમને તોડ્યો નહીં. અમને એવો અનુભવ થયો કે ઇન્દુ (સતીશ શાહનું ઓનસ્ક્રીન પાત્ર) પોતે જ અમને આ ગીત ગાવા માટે કહી રહ્યા છે અને અમારી સાથે જોડાઈ રહ્યા છે. સતીશ શાહજી, તમારી આત્માને શાંતિ મળે. મને ખુશી છે કે મેં તમને ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ શોમાં ડાયરેક્ટ કર્યા. તમે હંમેશા અમારા દિલમાં જીવંત રહેશો.’તેમણે જણાવ્યું કે સતીશ શાહનું ત્રણ મહિના પહેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું અને હવે તેમની હાલતમાં સુધારો થઈ રહ્યો હતો. બધું બરાબર ચાલી રહ્યું હતું. પણ અચાનક અમને જાણ થઈ કે તેમને ઇન્ફેકશન થયું છે. તેઓ દરેક ચર્ચાનો જીવ હતા. તેઓ ખૂબ જ શિક્ષિત, જાગૃત અને શબ્દોના સારા જાણકાર હતા. લોકો તેમને કોમેડી માટે જાણે છે, પણ તેઓ તેનાથી ક્યાંય વિશેષ હતા. તમે તેમની સાથે કોઈપણ વિષય પર વાત કરી શકો છો અને તમે તેમની પાસેથી ઘણું શીખી શકો છો.’

