Amreli, તા. 4
અમરેલી સહિત રાજયભરમાં બહુચર્ચિત બનાવટી લેટરકાંડનાં 4 આરોપીઓ પૈકી એક પાયલ ગોટી નામની યુવતીનાં સેશન્સ કોર્ટમાંથી જામીન ગઈકાલે સાંજના મંજૂર કરવામાં આવ્યા હતા. અને જયારે યુવતી જેલમાંથી બહાર આવી ત્યારે લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા. સેશન્સ કોર્ટમાં15 હજારનાં બોન્ડ ઉપર પાયલને જામીન મુકત કરવામાં આવી હતી. પાયલ તરફે એડવોકેટ સંદિપ પંડયાની સફળ દલીલો રહી હતી.
અમરેલીમાં ચાલતી આંતરિક જુથબંધીમાં પાટીદાર સમાજની નિર્દોષ યુવતી શિકાર બની હતી. તેણીની મોડી રાત્રિએ અટકાયત કરવામાં આવી, તેનો ચહેરો જાહેર કરવામાં આવ્યો અને રી-કન્સ્ટ્રકશનનાં નામે યુવતીને જાહેર માર્ગ પર ચલાવવામાં આવી અને કાયદાનો ઉલાળીયો થયો અને તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજયમાં પડયા અને સત્તાપક્ષ અને સરકાર બચાવની સ્થિતિમાં આવી ગયા હતા.
વિપક્ષી નેતાઓ પરેશ ધાનાણી, અમિત ચાવડા,મહિલા કોંગ્રેસનાં પ્રમુખ સહિતનાંઆગેવાનો ઉપરાંત પાટીદાર, ક્ષત્રિય સહિતનાં સમાજનાં આગેવાનો પણ રોષે ભરાયા અને મામલો એટલો ગંભીર બન્યો કે બે દિવસ પહેલા ખોડલધામનાં આગેવાનો પણ અમરેલી દોડી આવ્યા અને પાયલને આરોપીને બદલે સાક્ષી બનાવવાની ગતિવિધિ તેજ બની અને તપાસનીશ અધિકારી અને ફરિયાદીએ ચીફ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને ભૂલ સ્વીકારી પણ હતી.
યુવતિનું નામ ફરીયાદમાંથી કમી કરવા આજે અમરેલીની ચીફ કોર્ટમાં સુનાવણી રાખવામાં આવેલ છે. આ બાબતે આજે થવાની હોય તે પહેલા જ ગઈકાલે સેશન્સ કોર્ટમાં જામીન અરજી સુનાવણી પૂર્ણ થતાં પાયલને ગઈકાલે જામીન પર મુકત કરવામાં આવતાં તુરત જ જેલમાં ધકેલાઈ ગયેલ યુવતી ગઈકાલે સાંજના જેલમાંથી બહાર આવી. ત્યારે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા અને પરિવારજનો તેમજ પાયલને ન્યાય અપાવવા લડત ચલાવનાર સૌ કોઈ ખૂશીથી ઝુંમી ઉઠયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બનાવના બીજા ત્રણ આરોપીની પણ જામીન અરજી અંગે ચુકાદો જાહેર થવામાં છે. ત્યારે બાકીના ત્રણ આરોપીઓને જામીન મળે છે કે કેમ ? તે અંગે પણ ભારે ચર્ચાઓ શરૂ થવા પામેલ છે.
અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને પાયલ ગોટી જેલ મુક્ત થઈ છે. જેલ બહાર આવતાની સાથે જ પાયલે કહ્યું, ’સત્યમેવ જયતે’. જેલમુક્ત થયા બાદ પાયલ ગોટી પોતાના ગામ વીઠલપુર પહોંચી હતી. જ્યાં ગ્રામજનોએ તેમનું ઢોલ-નગારા સાથે સામૈયું કર્યું.
પાયલ ગોટી જેલમાંથી બહાર આવતા રડી પડી હતી. આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પાયલના માતા-પિતાની આખો ભીની થઈ. પાયલ પરિવારજનોને ભેટી પડી હતી. જો કે, જેલમાંથી છૂટકારા બાદ પાયલની માનસિક સ્થિતિ અસ્વસ્થ હોવાનું જોવા મળ્યું છે. તેમણે મીડિયા સામે વધુ કંઈ બોલવાની સ્થિતિમાં નહી હોવાનું જણાવ્યું હતું. પાયલને જિલ્લા સેસન્શ કોર્ટે 15 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા હતા.
આ દરમિયાન કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે કહ્યું કે, ’આપ સૌના માધ્યમ, સોશિયલ મીડિયાના માધ્યમથી જે સપોર્ટ મળ્યો છે, તેના માટે ગુજરાતની પ્રજાનો આભાર માનું છું. આપ સૌએ સરકાર પર દબાણ ઉભું કર્યું. હાલ, પાયલને જામીન મળી ચૂક્યા છે.’
ખોડલધામ સમિતિના સદસ્યો અને અગ્રણીઓ મહિલા પાયલબેન ગોટીની મદદે આવ્યા છે. નીચલી કોર્ટમાં જામીન નામંજૂર થતાં સેશન્સ કોર્ટમાં સમાજે દરવાજા ખટખટાવ્યા હતા અને ત્યારે હવે સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે.
યુવતીના વકીલ સંદીપ પંડ્યાએ કોર્ટમાં દલીલ કરી હતી કે, ’રાત્રે 12 વાગ્યે એક સ્ત્રીને ઘરમાંથી દબોચી લેવામાં આવે છે, આ કયા પ્રકારનું પોલીસ તંત્ર છે? પોલીસ તંત્રએ રાજકીય દબાણમાં કામ કરી માર માર્યો તેમજ કોર્ટમાં રિમાન્ડ માંગ્યા હતા, બાદમાં ગત રોજ 169નો રિપોર્ટ ફાઇલ કરીને એવું કહેવામાં આવે છે કે, આ બહેન વિરૂધ્ધ ગુનો નથી બનતો. યુવતીની ઉંમર 25 વર્ષની છે, ત્યારે લગ્ન જીવન શરુ થતાં પહેલાં જે તેની આબરૂ નિલામ કરવામાં આવી છે તેની ખોટ કોણ પૂરશે?’