ગોંડલના આંબરડી ગામે કરિયાણાની દુકાનમાં, કંડોરણાની ઘરફોડ ચોરી સહીત પાંચ ગુનામાં ફરાર ચોર બંધુઓને એલસીબીએ દબોચી લીધા
રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર ઉપરાંત અમદાવાદ, પાટણમાં 41 ગુના
Gondal,તા.26
ગોંડલ તાલુકાના આંબરડી ગામે દુકાનમાંથી અને જામકંડોરણામાં થયેલી ઘરફોડ ચોરી સહિત કુલ પાંચ ગુનામાં ફરાર ગોંડલના રીઢા તસ્કર બંધુને રાજકોટ એલસીબીની ટીમે ગોંડલ તાલુકાના ભોજપરા ગામના પાટીયા પાસેથી ઝડપી લીધા હતા. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સંખ્યાબંધ ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. ત્યારે આરોપીઓએ અન્ય કોઈ ચોરીના બનાવને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
જાણવા મળતી વિગતો મુજબ, એલસીબી ટીમ તપાસમાં હતી દરમિયાન ગોંડલ તાલુકાના આંબરડી ગામે આવેલી શ્રીજી પ્રોવિઝન સ્ટોરની દુકાન તથા જામકંડોરણા વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ હાલ ગોંડલ વિસ્તારમાં હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી ગોંડલ તાલુકાના ભોજપરા ગામના પાટીયા પાસેથી ત્રણ રીઢા આરોપીઓને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં વિક્રમ ધીરુભાઈ ચારોલીયા, રણજીત ઉર્ફે કરો ધીરુભાઈ ચારોલીયા અને દેવચંદ ઉર્ફે દેવો ધીરુભાઈ ચારોલીયા (રહે. ત્રણેય ગોંડલ આશાપુરા ચોકડી નદી કાંઠે, મૂળ વાસાવડ) નો સમાવેશ થાય છે.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી વિક્રમ સામે જુનાગઢ, રાજકોટ ગ્રામ્ય, પાટણ, રાજકોટ સીટી, અમરેલી, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના પોલીસ સ્ટેશનમાં મળી વાહન ચોરી ઘરફોડ ચોરી સહિતના ૨૦ ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે તેના ભાઈ રણજીત ઉર્કે કરો સામે રાજકોટ, જુનાગઢ, પાટણ, રાજકોટ સીટી, સુરેન્દ્રનગર, જામનગર, અમદાવાદ સહિતના પોલીસ સ્ટેશનમાં મળી ચોરી સહિતના 20 ગુના અને ત્રીજાભાઈ દેવચંદ ઉર્ફે દેવા સામે કેશોદમાં ચોરીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે.