Jamnagar તા.6
જામનગરમાં ઓગસ્ટ 2021 થી નિર્માણાધિન એવો સૌરાષ્ટ્ર નો સૌથી લાંબો 3.5 કીલોમીટર ની લંબાઈ ધરાવતો ફ્લાય ઓવર રૂા.226 કરોડ ના ખર્ચે સંપુર્ણ તૈયાર થઇ ગયો છે. હાલ બ્રીજની નીચેના ગાળામાં પાર્કિંગ રચવાની, સર્વીસ રોડ ની કામગીરી તેમજ બ્રીજ ની ઉપર રિફ્લેક્ટર્સ લગાવવાની, પીળા-કાળા-સફેદ પટ્ટા મારવાની કામીગીરી પુર્ણતાને આરે છે. બ્રીજ ઉપર ની લાઇટો પણ લગાવાઇ છે.
સૂત્રો થી મળતી માહિતી મુજબ આ બ્રીજ નું લોકાર્પણ ટૂંક સમયમાં થઇ શકે તેવી તંત્રની તૈયારીઓ છે. જામનગર શહેરના સુભાષબ્રીજ થી સાત રસ્તા સુધીનો ફ્લાય ઓવર બનાવવા રાજ્ય સરકાર દ્વારા રૂ.197 કરોડ ની ગ્રાન્ટ ફાળવણી કર્યા બાદ બાદ શરૂ થયેલું કામ હવે લગભગ પુરૂ થયું છે. 3450 મીટર લંબાઈનો બ્રીજને 139 પીલર્સ ઉપર ઉભો કરાયો છે.
આ ફ્લાય ઓવર બ્રીજ ને ઈન્દીરા માર્ગ ઉપર સાત રસ્તાથી ઓશવાળ સેન્ટર વચ્ચે. ખંભાળીયા રોડ ઉપર પણ ઓશવાળ સેન્ટરના બીજા મેઈન દરવાજા તરફ એક-એક ટુ-ટ્રેક રેમ્પ અપાયા છે. આ ઉપરાંત સુભાષ બ્રીજથી આવતા વાહનોને ચડવા માટે તેમજ સાત રસ્તા સર્કલમાં જાડાના બિલ્ડીંગ પાસે પણ એક રેમ્પ (ઢાળીયો) આપવામાં આવ્યા છે.
જ્યારે મુખ્ય બ્રીજ 15 મીટર નો એટલે કે, ફોર ટ્રેક છે. હવે બ્રીજની હેઠળના કામો ચાલુ છે. આ ઓવર બ્રીજ નીચેની જુદી જગ્યાઓમાં પેઈડ પાર્કિંગ, ફુડ ઝોન અને ગેમઝોન તથા નાગરિકોને જામનગર મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ મળી રહે તે માટે સીવીક સેન્ટર ઉભું કરવામાં આવશે. આમ તંત્ર બ્રીજની નીચેના બે પીલરો વચ્ચેના ગાળાનો કોમર્શિયલ અને સેવાના હેતુસરનો ઉપયોગ કરશે તેમ જાણવા મળ્યુ છે.