Junagadh તા.6
જુનાગઢની નોબલ યુનિ.ના એમબીએ માર્કેટીંગના વિદ્યાર્થીઓ દ્વારા એનએસએસ યુનિટ અંતર્ગત ભેસાણ રોડ પર સ્થિત બામણગામ ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત ‘નુકકડ નાટક’ રજુ કરીને વ્યાપક જાગૃતિ અભિયાન યોજાયું હતું.
આ કાર્યક્રમ દરમ્યાન માર્કેટીંગના વિદ્યાર્થીઓ તથા એનએસએસના સ્વયંસેવકોએ ગામના ચોકમાં નુકકડ નાટક રજૂ કરીને દીકરીઓના અભ્યાસનું ઉતમ સમાજના ઘડતરમાં રહેલા મહત્વ પર પ્રકાશ પાડયો હતો. સાથે જ ગામમાં જાગૃતી રેલી યોજી, એનએસએસ ટીમ દ્વારા ઘર-ઘર અભિયાન હાથ ધરીને ગ્રામજનોને દીકરીઓના ભવિષ્યને ઉજજવળ બનાવતી સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
તેમજ સરકારી યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવા માહિતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું. આ સમગ્ર અભિયાન પ્રો. નેન્સી સોલંકી તથા એનએસએસ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર આકાશ પૂજારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે દીકરીઓનું શિક્ષણ માત્ર પરિવાર નહીં પરંતુ સમગ્ર સમાજના વિકાસ માટે અનિવાર્ય છે. શિક્ષિત તેમજ તેમજ શિક્ષિત દીકરીઓ જ ઉજજવળ ભારતનું સ્વપ્ન સાકાર કરી શકે. ગ્રામજનો દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સમાજ પ્રત્યેની સેવાભાવનાને તેમજ તેમના પ્રયત્નોને બીરદાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નોબલ યુનિ.ના પ્રેસીડેન્ટ નિલેશભાઈ ધુલેશિયા, વાઈસ પ્રેસીડેન્ટ ગીરીશભાઈ કોટેચા, મેનેજીંગ ટ્રસ્ટી, વી.પી. ત્રિવેદી, કો-મેનેજીંગ ટ્રસ્ટી કે.ડી. પંડયા, પ્રોવોસ્ટ ડો. એચ.એન. ખેર દ્વારા કાર્યક્રમની સફળતા બદલ તમામ વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શન પ્રો. નેન્સી સોલંકી અને આકાશ પૂજારીને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજાતા રહે તેવી ભાવના વ્યકત કરવામાં આવી હતી તેમ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો.જય તલાટી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.