Mumbai,તા.19
મોહિત સૂરીએ મ્યૂઝિકલ ફિલ્મ ‘સૈયારા’ સાથે રોમેન્ટિક જોનરમાં કમ બેક કર્યું છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મથી અહાન પાંડે અને અનીત પડ્ડાએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાથી જ ઘણાં ચાહકોએ આ ફિલ્મને બ્લૉકબસ્ટર જાહેર કરી દીધી છે. ફિલ્મના એડવાન્સ બુકિંગે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જેથી મેકર્સને આશા છે કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરશે.
ફિલ્મ ‘સૈયારા’ રિલીઝ થતાની સાથે જ ફિલ્મે ઘણાં રેકોર્ડ તોડી દીધા છે. ફિલ્મના પહેલા દિવસે 9.4 કરોડ રૂપિયાથી વધારે એડવાન્સ બુકિંગ સાથે આ ફિલ્મ વર્ષ 2025ની ત્રીજી સૌથી મોટી પ્રિ-સેલ ફિલ્મ બની ગઈ છે. માત્ર ‘છાવા’ અને ‘સિકંદર’ ફિલ્મ જ પ્રિ-સેલમાં આગળ છે. ફિલ્મને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. એક બાજુ સોશિયલ મીડિયા પર ઘણાં યુઝર્સ ફિલ્મના યુવા એક્ટર એક્ટ્રેસના વખાણ કરી રહ્યા છે, તો બીજી બાજુ ઘણાં યુઝર્સે મોહિત સૂરીના દિગ્દર્શનને અદ્ભુત ગણાવ્યું છે. ખાસ કરીને ફિલ્મના ગીતો હીટ જવાથી તેને અત્યારથી જ આવી સફળતા મળી છે.
આ ફિલ્મના પહેલા દિવસની કમાણીની વાત કરીએ તો એક રિપોર્ટ પ્રમાણે ફિલ્મે પહેલા દિવસે 20 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. હવે વિકેન્ડમાં આ ફિલ્મ 40 કરોડનો પણ આંકડો પાર કરે તો નવાઈની વાત નથી.
ડબલ ડિજિટની ઓપનિંગ સાથે ‘સૈયારા’એ હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કલાકારો દ્વારા સૌથી વધુ ઓપનિંગ-ડે ની કમાણીનો રેકોર્ડ તોડી દીધો છે. આ રેકોર્ડ પહેલાં ‘ધડક’ ફિલ્મના નામે હતો, જે વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં જાન્હવી કપૂર અને ઈશાન ખટ્ટરે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મે રિલીઝના દિવસે ભારતમાં 8.76 કરોડની નેટ કમાણી કરી હતી.
‘સૈયારા’ ફિલ્મ અક્ષય વિધાનીએ પ્રોડ્યુસ કરી છે. તેમના મતે, આ રોમેન્ટિક જોનરની ફિલ્મમાં બે બાળકો વાણી અને કૃષની પ્રેમ કહાણી છે. અહાન પાંડેએ એક સેલ્ફ સેન્ટર્ડ સિંગરની ભૂમિકા ભજવી છે, જ્યારે અનીત પડ્ડા એક સોંગ રાઇટર છે.